કચ્છની સંવેદનશીલ સરહદ પરથી ફરી એકવાર પાકિસ્તાની નાગરિકની ઘૂસણખોરીની ઘટના સામે આવી છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને સુરક્ષા જવાનોની સતર્કતાને કારણે આ પાકિસ્તાની નાગરિકને ઝડપી લેવામાં આવ્યો છે.
આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ વિવિધ સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક હરકતમાં આવી ગઈ હતી. સુત્રોના જણાવ્યા અનુસાર, ઝડપાયેલા શખ્સની SG, લોકલ IB, સેન્ટ્રલ IB અને BSF ના અધિકારીઓ દ્વારા સંયુક્ત રીતે સઘન પૂછપરછ કરવામાં આવી હતી. સરહદ પારથી કોઈ જાસૂસી કે નાપાક ઈરાદા સાથે ઘૂસણખોરી કરવામાં આવી છે કે કેમ તે દિશામાં ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી.
જોકે, રાહતની વાત એ છે કે પ્રાથમિક તપાસ અને તલાશી દરમિયાન આ નાગરિક પાસેથી કોઈપણ પ્રકારના હથિયાર, શંકાસ્પદ દસ્તાવેજો કે વાંધાજનક વસ્તુઓ મળી આવી નથી. એજન્સીઓના મતે તે ભૂલથી સરહદ પાર કરીને ભારતીય વિસ્તારમાં આવી ગયો હોવાની શક્યતા છે. હાલ કાયદેસરની કાર્યવાહી માટે તેને સ્થાનિક પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે કચ્છના રાપરમાં વધુ એક પાકિસ્તાની યુગલ ઝડપાયું છે. રાપરના કુડા પાસેની રણ સીમામાંથી ઝડપાયેલા પાકિસ્તાની યુગલને BSFએ બાલાસર પોલીસને સોંપવાની કામગીરી હાથ ધરી છે. તમને જણાવી દઈએ કે, આશરે દોઢ માસ પહેલા ‘તોતો-મીના’ નામનું પાકિસ્તાની યુગલ ઝડપાયું હતું. બાલાસર પોલીસે વધુ એક ઝડપાયેલા પાકિસ્તાની યુગલની પૂછપરછ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તમને જણાવી દઈએ કે, ગત 8 ઓક્ટોબર, 2025ના રોજ ‘તોતો-મીના’ નામનું પાકિસ્તાનની યુગલ રણ સરહદ પાર કરીને કચ્છના રાપરના સરહદી રતનપર ગામે પહોંચી આવ્યા હતા. પાકિસ્તાની યુગલ મામલે જાગૃત ગ્રામજનોને ધ્યાને આવતાં બંનેને ખડીર પોલીસના હવાલે કરાયા હતા. પ્રાથમિક પૂછપરછમાં તેઓ સગીર અને એકબીજાને પ્રેમ કરતા હોવાનું જણાવ્યું હતું. જેમાં યુગલના પરિવારને મંજૂર ન હોવાથી તેઓ સરહદ પાર કરીને ભારત આવી પહોંચ્યા હતા. જોકે પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, તોતો ઉર્ફે તારા રણમલ ચૂડી (ભીલ)ની ઉંમર 20 વર્ષથી વધુ અને મીના ઉર્ફે પુજા કરશન ચૂડીની ઉંમર 18થી 20 વર્ષની અંદરમાં હોવાનું જણાય છે. પાકિસ્તાન છોડીને ભારતમાં ઘૂસી આવેલા પાકિસ્તાની યુગલ સામે 1 મહિનો અને 10 દિવસ બાદ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.




















Recent Comments