હવે સાયબર ક્રાઈમની દુનિયામાં એક નવી અને ચિંતાજનક મોડસ ઓપરેન્ડી સામે આવી છે. જેમાં ઠગાઈ કરતી એક ગેંગ OTP વિના જ લોકોના બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી લેતી હતી. આ મામલે અમદાવાદની પાલડી પોલીસે એક મોટા આંતરરાષ્ટ્રીય સાઇબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ કરીને 6 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. પ્રાથમિક માહિતી અનુસાર, આ ગેંગે ભારતનાં 15 થી વધુ રાજ્યોમાં લોકો સાથે સાઇબર ફ્રોડ થકી છેતરપિંડી આચરી હોવાનું બહાર આવ્યું છે. રાષ્ટ્રીય સાઇબર ક્રાઇમ સમન્વય પોર્ટલ પર આ ગેંગ સામે 518 જેટલી ફરિયાદો નોંધાઈ હોવાનું પણ સામે આવ્યું છે. આ ગેંગે અત્યાર સુધીમાં રૂ. 23.23 કરોડના ટ્રાન્ઝેક્શન કર્યા હોવાનું જાણવા મળ્યું છે. આરોપીઓની ધરપકડ અમદાવાદ, મહેસાણા અને માણસા વિસ્તારોમાંથી કરવામાં આવી છે.
આ મામલે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગે લોકો પાસેથી છેતરેલા પૈસા ત્રણ જુદા જુદા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 15 મોબાઈલ ફોન, રોકડ અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિમાં વપરાયેલો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. આ ગેંગની ધરપકડ બાદ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા અત્યંત ચોંકાવનારી વિગતો સામે આવી છે. આરોપીઓના જુદા જુદા બેંક એકાઉન્ટમાં કુલ 518 જેટલી ફરિયાદો નોંધાયેલી છે. જેમાં 29 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
ખુબ મહત્વનું છે કે, આ ઘટના સાયબર સુરક્ષા માટે એક મોટો પડકાર છે અને લોકોને તેમના બેંક એકાઉન્ટની વિગતો અંગે વધુ સાવચેત રહેવાની જરૂરિયાત પર ભાર મૂકે છે. સાયબર ક્રાઈમ નિષ્ણાતોનું માનવું છે કે આ પ્રકારની ઠગાઈથી બચવા માટે બેંક ખાતામાં મજબૂત પાસવર્ડ રાખવા અને શંકાસ્પદ લિંક પર ક્લિક કરવાનું ટાળવું જરૂરી છે.



















Recent Comments