અમરેલી

આયુષ્માન કાર્ડમાં ‘એક્સપાયરી ડેટ’ ન હોવાથી દર્દીઓ મુશ્કેલીમાં: સાવરકુંડલાના એડવોકેટ જયેશભાઈ પાંધીની ધારાસભ્યને ધારદાર રજૂઆત

રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે આશીર્વાદરૂપ ગણાતી ‘મુખ્યમંત્રી અમૃતમ (મા) વાત્સલ્ય’ અને ‘આયુષ્માન ભારત’ યોજનામાં વહીવટી ખામીને કારણે અનેક નાગરિકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. સાવરકુંડલાના જાણીતા એડવોકેટ અને નોટરી શ્રી જયેશભાઈ પાંધીએ આ ગંભીર મુદ્દે સ્થાનિક ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળાને રૂબરૂ મળી વિગતવાર રજૂઆત કરી છે.​

​રજૂઆતમાં જણાવ્યા અનુસાર, સરકાર દ્વારા આપવામાં આવતા આ કાર્ડ્સમાં કાર્ડની અવધિ (વેલિડિટી) ક્યારે પૂરી થાય છે તેની કોઈ સ્પષ્ટ તારીખ દર્શાવવામાં આવતી નથી. આના કારણે

​નાગરિકોને ખ્યાલ નથી રહેતો કે તેમનું કાર્ડ ક્યારે રિન્યુ કરાવવાનું છે. ​જ્યારે અચાનક ગંભીર બીમારી કે ઈમરજન્સીમાં હોસ્પિટલ પહોંચે ત્યારે ખબર પડે છે કે કાર્ડની મુદ્ત પૂરી થઈ ગઈ છે.

​હોસ્પિટલમાં સારવાર લેતી વખતે જ કાર્ડ અમાન્ય ઠરતા દર્દીના પરિવારજનોમાં ભારે દોડધામ અને માનસિક ચિંતા પ્રસરી જાય છે.

સાવરકુંડલા પ્રતિષ્ઠિત ​એડવોકેટ જયેશભાઈ પાંધીના મતે, અંદાજે પચાસ ટકાથી વધુ કાર્ડ ધારકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જો કાર્ડ પર જ ‘એક્સપાયરી ડેટ’ અથવા ‘મુદ્ત પૂરી થવાની તારીખ’ છાપવામાં આવે, તો સામાન્ય નાગરિક સમયસર કાર્ડ રિન્યુ કરાવી શકે અને કટોકટીના સમયે આર્થિક મુશ્કેલીથી બચી શકે.

*​”આ એક એવો પ્રશ્ન છે જે ગુજરાતભરના લાખો નાગરિકોને સ્પર્શે છે. કાર્ડમાં મુદ્ત દર્શાવવાથી ગંભીર બીમારી સામે ઝઝૂમતા દર્દીઓના પરિવારોને મોટી રાહત મળશે.” — જયેશભાઈ પાંધી (એડવોકેટ & નોટરી, સાવરકુંડલા)*

​સાવરકુંડલાના કાર્યદક્ષ ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળાએ આ રજૂઆતને ખૂબ જ ગંભીરતાથી લીધી છે. તેમણે સ્વીકાર્યું હતું કે આ સમસ્યા રાજ્યવ્યાપી છે અને તેના કારણે અનેક જરૂરિયાતમંદો સારવારથી વંચિત રહી જાય છે અથવા હેરાન થાય છે. ધારાસભ્યશ્રીએ ખાતરી આપી છે કે તેઓ આ બાબતે રાજ્યના સંબંધિત વિભાગ અને આરોગ્ય મંત્રી સુધી રજૂઆત પહોંચાડશે જેથી આગામી સમયમાં કાર્ડમાં જરૂરી સુધારા કરી શકાય.

Related Posts