અમરેલી

સાવરકુંડલાના જન જન હવે  જાગો… પાંચ વર્ષ મૌન રહેનારા નગરસેવકો પાસે હવે હિસાબ માંગવાનો સમય પાકી ગયો છે

​સભામાં મૌન જે બેઠા, 

હવે એ બોલવા આવશે,

હિસાબ આપ્યા વગર, 

એ ફરીથી જીતવા આવશે.

​ગટર ને રોડના પ્રશ્નો હજી 

ખૂણે પડ્યા છે દોસ્ત,

કરીને વાયદા ખોટા, 

એ ટાણે ફૂલહાર લાવશે.

​અખબારી અહેવાલ

–“પાંધી સર

​સાવરકુંડલા નગરપાલિકાની ચૂંટણીના ઢોલ વાગવાની તૈયારીમાં છે, ત્યારે શહેરના જાગૃત નાગરિકોમાં એક જ ચર્ચા છે – “હિસાબ આપો”. પાંચ વર્ષ સુધી સત્તાના એસી હોલમાં બેસીને જનતાના પ્રશ્નો પર મૌન રહેનારા નેતાઓ હવે મોઢામાં સાકર અને હાથમાં ફૂલહાર લઈને મતદારોના ઉંબરે મતોની ભીખ માંગવા નીકળી પડશે. પરંતુ, આ વખતે સાવરકુંડલાની જનતા જાગૃત બની છે અને ઉમેદવારોને પૂછવા તૈયાર છે કે, પાંચ વર્ષમાં તેમણે જનતાના અવાજ તરીકે પાલિકામાં કેટલી વાર રજૂઆત કરી?

​ગટરના ગંદા પાણી અને તૂટેલા રસ્તાનો જવાબ કોણ આપશે?

શહેરના અનેક વિસ્તારોમાં ગટરો ઉભરાવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે. લોકો  નાકે રૂમાલ બાંધીને ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર પણ  બને છે. ત્યારે સવાલ એ થાય છે કે, શું તમારા વિસ્તારના નગરસેવકે આ સમસ્યાનું ૨૪ કલાકમાં નિવારણ લાવવા તસ્દી લીધી હતી? રસ્તા પર મોટા ગાબડા પડે ત્યારે નગરસેવકો ગાયબ થઈ જાય છે, પરંતુ જ્યારે કોઈ સેવાભાવી સંસ્થા કે સામાજિક કાર્યકર તે ગાબડાં પુરાવે છે એ કેવી કરુણતા.. હા ક્યાંક રસ્તા રીપેરીંગનું કામ થતું હોય ત્યાં ફોટા પડાવવા માટે લાઈનમાં ઉભા રહેતા તમારા વિસ્તારના પ્રતિનિધિઓને જોયા છે? અને ખરે સમયે જનતા દ્વારા પોતાના નગરપાલિકા વિસ્તારના સદસ્યશ્રીઓને પોતાની સમસ્યા સંદર્ભ રજૂઆત કરી હોય ત્યારે જનતા હવે પૂછી રહી છે કે, કામમાં કેમ ગાયબ અને ફોટામાં કેમ હાજર?

​ ચોમાસામાં જ્યારે રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાયા ત્યારે કેટલા નગરસેવકો ગ્રાઉન્ડ ઝીરો પર મદદ માટે પહોંચ્યા હતા? સ્ટ્રીટ લાઈટો બંધ હોય ત્યારે “લેમ્પ નથી” એવું બહાનું આપીને હાથ ઊંચા કરી દેનારા સદસ્યો  પણ હોય શકે..!!! હવે એવા લોકો પણ મત માંગવા નીકળી શકે છે.. શું એવા લોકોને મત અપાય કે નહિ?  પાણી વિતરણની અવ્યવસ્થા હોય કે નળમાં ગંદુ પાણી આવવાની ફરિયાદ, જનતા મોટેભાગે રામભરોસે રહી છે.? 

સૌથી મોટો આક્ષેપ નગરપાલિકાની સામાન્ય સભામાં સભ્યોની ભૂમિકા પર છે. શું તમારા નગરસેવકે વોર્ડના પ્રશ્નો માટે પાલિકા ગજવી હતી? કે પછી માત્ર પોતાની સુખ-સુવિધાના ઠરાવો મંજૂર કરવા અને શાસકોની ‘હા’ માં ‘હા’ મિલાવી આંગળી ઊંચી કરીને મૌન સેવી લીધું હતું?

સાવરકુંડલાનો વિકાસ અને સાવરકુંડલાનું હિત નેતાઓની વાતોમાં નહીં, પણ જનતાની જાગૃતિમાં છે. આ વખતે જ્યારે ઉમેદવાર મતો માંગવા આવે, ત્યારે તેમને સોશિયલ મીડિયા પર અને રૂબરૂમાં સવાલ પૂછજો કે, ‘સાહેબ, પાંચ વર્ષમાં કેટલી વાર તમે અમારા પ્રશ્ને અવાજ ઉઠાવ્યો હતો?’ જો તેઓ સભામાં મૌન રહ્યા હોય, તો હવે મતદારોએ બોલવાનો સમય આવી ગયો છે. અંતમાં એક કાવ્ય પંક્તિ *જો જાગત હૈ વો પાવત હૈ જો સોવત હૈ વો ખોવત હૈ.*જો કે કદાચ નવા ચહેરાઓ પણ આવે ત્યારે એને લોકસેવા કઈ રીતે કરાય? એવા સવાલ તો અવશ્ય પૂછી શકાય.. 

અંતે સાચા અને નક્કર વિકાસ માટે નક્કર સેવાભાવી સદસ્યશ્રીઓ અને લોક જાગૃતિ ખૂબ આવશ્યક છે. મીઠી સંમોહિત કરી દે એવા વાક ચાતુર્યમાં ન ફસાઈ જવાઈ તેની જાગૃતિ રાખી કોમ ધર્મ પક્ષ વિપક્ષ આ તમામ મુદાઓને કોરાણે મૂકી આપના કામ કોણ સફળતાપૂર્વક કરી શકે છે એવા જન પ્રતિનિધિઓ ચૂંટીએ તો કદી  રોવાનો વારો નહિ આવે… બાકી આપ સમજદાર છો. ભારત આઝાદ થયે પંચોતેર વર્ષ ઉપરના વાણા વીતી ગયા છે..!!!!

Related Posts