ભાવનગર

ભાવનગરમા સૌરાષ્ટ્રના વન અધિકારીઓ માટે PERG પ્રોજેક્ટ વર્કશોપ સંપન્ન

ગુજરાત રાજ્ય વન વિભાગ અને જાપાન ઇન્ટરનેશનલ કો-ઓપરેશન એજન્સી (JICA)ના સંયુક્ત ઉપક્રમે
ચાલી રહેલા પ્રોજેક્ટ ફોર ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન ઇન ગુજરાત (PERG) અંતર્ગત સમગ્ર સૌરાષ્ટ્રના પ્રોજેક્ટ સાથે
સંકળાયેલા તમામ રેન્જ ફોરેસ્ટ ઓફિસર્સ (RFO) માટે તા. ૦૨/૦૯/૨૦૨૫ ના રોજ શહેરના નિલમબાગ પેલેસ હોટેલ
ખાતે એક દિવસીય વર્કશોપનું ભાવનગર વન વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યશાળામાં મુખ્ય વન સંરક્ષક શ્રી અને પ્રોજેક્ટ ડાયરેક્ટર (PERG) ડૉ. કે. શશીકુમાર, પ્રોજેક્ટના ડેપ્યુટી
ડાયરેક્ટર ડૉ. મોહન રામ, ભાવનગર વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી યોગેશ દેસાઈ, બોટાદના નાયબ વન
સંરક્ષક શ્રી ગોવિંદસિંહ સરવૈયા, PERG કમિટી મેમ્બર શ્રી આર. એમ. દેસાઈ તથા IUCN અને TERI જેવી સંસ્થાઓના
રિસોર્સ પર્સન તેમજ ક્લાઈમેટ ચેન્જ એડવાઈઝર (RECAP4NDC અને GIZ India) શ્રી શ્વેતલ શાહ સહિતના
મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમ દરમિયાન, PERG પ્રોજેક્ટ અંતર્ગત વન વિભાગના કર્મચારીઓ માટે ખરીદવામાં આવેલ નવી
બાઇક્સનું ફ્લેગ ઓફ ભાવનગરના યુવરાજ સાહેબશ્રી જયવિરરાજસિંહજી ગોહિલ અને ઉપસ્થિત અન્ય ઉચ્ચ
અધિકારીઓના વરદ્ હસ્તે કરવામાં આવ્યું હતું.
આ વર્કશોપ દરમિયાન નિષ્ણાતો દ્વારા ગ્રાસલેન્ડ (ઘાસભૂમિ) અને વેટલેન્ડ (જળપ્લાવિત વિસ્તાર)
ઇકોસિસ્ટમના વિકાસ, માનવ- વન્યપ્રાણી ઘર્ષણ નિવારણ, ભૂમિ અને ભેજ સંરક્ષણ (SMC), વાઇલ્ડલાઇફ ગ્રુવ્ઝ અને

મેન્ગ્રુવ્ઝ (ચેર) ઇકોસિસ્ટમ જેવી વિવિધ કામગીરીઓ અને તેના પડકારો પર વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી
હતી. આ ચર્ચામાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના મરીન સાયન્સ વિભાગના પીએચડી રિસર્ચ
સ્કોલર ધ્રુવ જે. સુતરીયા દ્વારા ‘મેન્ગ્રુવ ઇકોસિસ્ટમ’ તથા સર પી.પી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સના બોટની વિભાગના
પીએચડી રિસર્ચ સ્કોલર ક્રિષ્ના આઈ. ગઢવી દ્વારા ‘ભાવનગરના ઘાસના મેદાનો’ વિષય પર ઊંડાણપૂર્વક છણાવટ
કરવામાં આવી હતી.
આ ઇન્ટરેક્ટિવ સેશનમાં ભાવનગર, જૂનાગઢ, ગીર પૂર્વ, ગીર પશ્ચિમ, શેત્રુંજય, અમરેલી, બોટાદ, મોરબી
અને પોરબંદર સહિતના વિવિધ વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર્સએ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા પોતાના
કાર્યક્ષેત્રમાં થયેલ કામગીરી અને અનુભવો રજૂ કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, PERG પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ ગુજરાત રાજ્યમાં દરિયાકાંઠાના ચેર અને શેલ્ટર બેલ્ટનો
વિકાસ, ઘાસિયા મેદાનો, જળપ્લાવિત વિસ્તારો અને પાંખા વનોનું પુનઃનિર્માણ, માનવ- વન્યપ્રાણી વચ્ચેના સંઘર્ષનું
નિવારણ અને સંસ્થાકીય મજબૂતીકરણ દ્વારા નિવસન તંત્રની સેવાઓને પુનઃજીવિત કરી રાજ્યના સામાજિક-આર્થિક
વિકાસમાં યોગદાન આપવાનો છે. આ વર્કશોપ પ્રોજેક્ટના લક્ષ્યોને વધુ અસરકારક રીતે હાંસલ કરવાની દિશામાં એક
મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.

Related Posts