અમરેલી

અમરેલીમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના ‘અમૃત ખેડૂત બજાર’ને સકારાત્મક પ્રતિસાદ

ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ (GPKVB)-અમરેલી દ્વારા “અમૃત ખેડૂત બજાર” નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ બજારમાં પ્રાકૃતિક ખેતી કરતા કુલ ૯ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ દ્વારા વિવિધ કૃષિ પેદાશો તેમજ પ્રાકૃતિક ખેતી આધારિત મૂલ્યવર્ધિત ઉત્પાદનોનું પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવ્યું હતું.

અમરેલી જિલ્લા પંચાયત ખાતે આયોજિત આ બજારમાં પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત અનાજ, શાકભાજી, દાળ, ઘઉં, તેલ, ગોળ, આચાર, દવાઓ, તથા ગૌઆધારીત ઉત્પાદનો અંગે નાગરિકોમાં ખૂબ જ સારો પ્રતિસાદ જોવા મળ્યો હતો. લોકોમાં પ્રાકૃતિક અને આરોગ્યદાયક ઉત્પાદનો પ્રત્યે અપનાવા પ્રત્યેનો સકારાત્મક અભિગમ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો.

આ પ્રકારના મેળાનો મુખ્ય હેતુ ખેડૂતોને સીધી માર્કેટિંગની તક ઉપલબ્ધ કરાવવાનો અને પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોને સમાજમાં પ્રોત્સાહન આપવાનો છે. આવનારા સમયમાં પણ આવા કાર્યક્રમો દ્વારા પ્રાકૃતિક ખેતીને વધુ વેગ મળશે.

Related Posts