અમરેલી

ડિજિટલ ક્રોપ સર્વેની ખામીઓ સામે ગુજરાત સરકારને  – વાસ્તવિકતા આધારિત સર્વે કરવાની માંગ સાથે રજૂઆત કરતા પ્રતાપ દુધાત

ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલ ડિજિટલ ક્રોપ સર્વે / સેટેલાઇટ સર્વેમાં ગંભીર ખામીઓ રહેલી હોવાનું બહાર આવ્યું છે. ખેડૂતોના સર્વે નંબર તથા વાવેતર કરેલા પાકોની હકીકત સાથે મેળ ન ખાતા આંકડાઓના કારણે ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.ખેડૂતોની તરફથી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.જેમાં સરકારે અગાઉ કરાવેલું રજીસ્ટ્રેશન રદ કરી ફરીવાર સર્વે કરવાની જાહેરાત કરી છે, પરંતુ હાલમાં ખેતરોમાં પાક લણાઈ રહ્યો છે અને પાથરાઓ પડેલા છે, ત્યારે આવા સમયમાં ડિજિટલ સર્વે કેટલો હકીકતસભર સાબિત થશે તે સવાલ છે.અતિવૃષ્ટિના પ્રસંગે પણ અમરેલી જિલ્લામાં સહાય વિતરણમાં વાલા-દવલા નીતિ અપનાવવામાં આવી હતી.એક જ ગામમાં કેટલાક ખેડૂતોને સહાય અપાઈ હતી જ્યારે કેટલાક ખેડૂતો વંચિત રાખાયા હતા.ખેડૂતોનું માનવું છે કે શું સરકાર માત્ર મૃગજળ બતાવી રહી છે કે પછી ખેડૂતોને ખેતી છોડીને સતત લાઇનમાં ઉભા રહેવા મજબૂર કરવા માંગે છે?

અંતે પ્રતાપ દુધાત પ્રમુખશ્રી જિલ્લા કોંગ્રેસ સમિતિ અમરેલી તથા પૂર્વ ધારાસભ્ય સાવરકુંડલા –લીલીયા દ્વારા પત્ર પાઠવી ને  સરકારશ્રીને માંગ કરવામાં આવી છે કે –

ડિજિટલ ક્રોપ સર્વેની ખામીઓ તાત્કાલિક દૂર કરવામાં આવે.

સરકારશ્રી જાતે સ્થળ પર આવી ખેડૂતોને સહકારમાં રાખીને વાસ્તવિકતા આધારિત સર્વે કરે.

ખેડૂતોને ફરી મુશ્કેલીઓ ન પડે તે માટે સ્પષ્ટ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવે.

Related Posts