વૃદ્ધ લોકો ભૂતકાળની કડી છે અને ભવિષ્ય માટે માર્ગદર્શક પણ છે, આપણે તેમના માર્ગદર્શનને મહત્વ આપવું જાેઈએ અને તેમના મૂલ્યવાન સાથનો આનંદ માણવો જાેઈએ: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે ‘ગૌરવ સાથે વૃદ્ધત્વ‘ – વરિષ્ઠ નાગરિકોના કલ્યાણ માટે પહેલ કાર્યક્રમમાં હાજરી આપી હતી. કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વરિષ્ઠ નાગરિકો કલ્યાણ પોર્ટલનું લોન્ચિંગ, વરિષ્ઠ નાગરિકોના ઘરોનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન, સહાય અને સહાયક ઉપકરણોનું વિતરણ અને સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગ અને બ્રહ્માકુમારી સંગઠન વચ્ચે સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા હતા.
આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે માતા-પિતા અને વડીલોનો આદર કરવો એ આપણી સંસ્કૃતિનો એક ભાગ છે. સામાન્ય રીતે પરિવારોમાં જાેવા મળે છે કે બાળકો તેમના દાદા-દાદી સાથે ખૂબ જ આરામદાયક હોય છે. વડીલો પરિવાર માટે ભાવનાત્મક આધારસ્તંભ તરીકે કાર્ય કરે છે. વડીલો પણ જ્યારે તેમના પરિવારને સમૃદ્ધ થતો જુએ છે ત્યારે શારીરિક અને ભાવનાત્મક રીતે સ્વસ્થ રહે છે.
રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, આજના સ્પર્ધાત્મક અને ઝડપી જીવનમાં, વરિષ્ઠ નાગરિકોનો ટેકો, પ્રેરણા અને માર્ગદર્શન આપણી યુવા પેઢી માટે અત્યંત મહત્વપૂર્ણ છે. વરિષ્ઠ નાગરિકો પાસે રહેલા અનુભવો અને જ્ઞાનનો ભંડાર યુવા પેઢીને જટિલ પડકારોનો સામનો કરવામાં મદદ કરી શકે છે. તેમણે કહ્યું કે વૃદ્ધાવસ્થા એ આધ્યાત્મિક રીતે પોતાને સશક્ત બનાવવા, પોતાના જીવન અને કાર્યોનું વિશ્લેષણ કરવા અને અર્થપૂર્ણ જીવન જીવવાનો એક તબક્કો પણ છે. આધ્યાત્મિક રીતે સશક્ત વરિષ્ઠ નાગરિકો દેશ અને સમાજને વધુ સમૃદ્ધિ અને પ્રગતિ તરફ દોરી શકે છે.
રાષ્ટ્રપતિએ વધુમાં જણાવ્યું હતું કે, વૃદ્ધ લોકો ભૂતકાળની કડી છે અને ભવિષ્ય માટે માર્ગદર્શક પણ છે. એક રાષ્ટ્ર તરીકે આપણી સામૂહિક જવાબદારી છે કે, આપણા વરિષ્ઠ લોકો તેમના વૃદ્ધાવસ્થાને ગૌરવ અને સક્રિયતા સાથે જીવે. તેમને ખુશી થઈ કે સરકાર વિવિધ પહેલ દ્વારા વરિષ્ઠ નાગરિકોને સશક્ત બનાવી રહી છે. જેથી તેઓ જીવનના તમામ પાસાઓમાં સક્રિયપણે ભાગ લઈ શકે. તેમણે તમામ નાગરિકોને વૃદ્ધોના સુખ અને સુખાકારી માટે પોતાને પ્રતિબદ્ધ કરવા, તેમના માર્ગદર્શનની કદર કરવા અને તેમના મૂલ્યવાન સાથનો આનંદ માણવા વિનંતી કરી.
Recent Comments