રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ WAVES ૨૦૨૫નું ઉદઘાટન કર્યું

ઉછફઈજી વૈશ્વિક મંચ પર ભારતની સર્જનાત્મક શક્તિઓને ઉજાગર કરે છે: પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મુંબઈમાં જિયો વર્લ્ડ સેન્ટર ખાતે વેવ્સ ૨૦૨૫નું ઉદ્ઘાટન કર્યું હતું. જે આ પ્રકારની સૌપ્રથમ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઇનમેન્ટ સમિટ છે. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે આજે ઉજવાતા મહારાષ્ટ્ર દિવસ અને ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવી હતી. રચનાત્મક ઉદ્યોગનાં તમામ આંતરરાષ્ટ્રીય મહાનુભાવો, રાજદૂતો અને નેતાઓની હાજરીને બિરદાવતાં પ્રધાનમંત્રીએ આ સમારંભનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો અને એ જણાવ્યું હતું કે, ૧૦૦થી વધારે દેશોનાં કલાકારો, નવપ્રવર્તકો, રોકાણકારો અને નીતિનિર્માતાઓ પ્રતિભા અને રચનાત્મકતાની વૈશ્વિક ઇકોસિસ્ટમનો પાયો નાંખવા એકત્ર થયા છે. તેમણે નોંધ્યું હતું કે, “વેવ્સ એ માત્ર સંક્ષિપ્ત શબ્દ જ નથી, પરંતુ સંસ્કૃતિ, સર્જનાત્મકતા અને સાવર્ત્રિક જાેડાણનું પ્રતિનિધિત્વ કરતું મોજું છે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ સમિટ ફિલ્મો, સંગીત, ગેમિંગ, એનિમેશન અને સ્ટોરીટેલિંગની વિસ્તૃત દુનિયાને પ્રદર્શિત કરે છે. જે કલાકારો અને સર્જકોને જાેડાવા અને સહયોગ કરવા માટે એક વૈશ્વિક મંચ પ્રદાન કરે છે. પ્રધાનમંત્રીએ આ ઐતિહાસિક પ્રસંગે તમામ સહભાગીઓને અભિનંદન આપ્યાં હતાં તથા ભારત અને વિદેશમાંથી આવેલા વિશિષ્ટ મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
વેવ્સ સમિટમાં ભારતના સમૃદ્ધ સિનેમેટિક ઇતિહાસ પર પ્રકાશ પાડતા શ્રી મોદીએ નોંધ્યું હતું કે, ૩ મે, ૧૯૧૩ના રોજ ભારતની પ્રથમ ફિચર ફિલ્મ રાજા હરિશ્ચંદ્ર રિલીઝ થઈ હતી. જેનું નિર્દેશન અગ્રણી ફિલ્મનિર્માતા દાદાસાહેબ ફાળકેએ કર્યું હતું. તેમણે યાદ કર્યું કે ફાળકેની જન્મજયંતિ એક દિવસ પહેલા જ ઉજવવામાં આવી હતી. તેમણે પાછલી સદીમાં ભારતીય સિનેમાની અસર પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે, તેમણે સફળતાપૂર્વક ભારતના સાંસ્કૃતિક હાર્દને વિશ્વના દરેક ખૂણે પહોંચાડ્યું છે. તેમણે રશિયામાં રાજ કપૂરની લોકપ્રિયતા, કાન્સમાં સત્યજિત રેની વૈશ્વિક માન્યતા અને આરઆરઆરની ઓસ્કાર વિજેતા સફળતા પર પ્રકાશ પાડ્યો હતો અને ભારતીય ફિલ્મ નિર્માતાઓ કેવી રીતે વૈશ્વિક કથાઓને આકાર આપવાનું ચાલુ રાખે છે તેના પર ભાર મૂક્યો હતો. તેમણે ગુરુ દત્તની સિનેમેટિક કવિતા, એ. આર. રહેમાનની સંગીતમય પ્રતિભા ઋત્વિક ઘટકના સામાજિક પ્રતિબિંબ અને એસ. એસ. રાજામૌલીની મહાકાવ્ય કથાનો પણ સ્વીકાર કર્યો હતો અને જણાવ્યું હતું કે આ દરેક કલાકારે વિશ્વભરમાં લાખો લોકો માટે ભારતીય સંસ્કૃતિને જીવંત કરી છે. શ્રી મોદીએ એ બાબત પર પણ ટિપ્પણી કરી હતી કે, ભારતીય સિનેમાનાં દિગ્ગજાેનું સ્મારક ટપાલ ટિકિટ મારફતે સન્માન કરવામાં આવે છે અને આ ઉદ્યોગ માટે તેમનાં યોગદાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે.
ભારતની સર્જનાત્મક ક્ષમતા અને વૈશ્વિક સહયોગના મહત્વ પર ભાર મૂકતા, પ્રધાનમંત્રીએ કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં, તેમણે ગેમિંગ, સંગીત, ફિલ્મ નિર્માણ અને અભિનયના વ્યાવસાયિકો સાથે વિચારો અને આંતરદૃષ્ટિની ચર્ચા કરી છે. જેનાથી સર્જનાત્મક ઉદ્યોગો પ્રત્યેની તેમની સમજ વધુ ગાઢ બની છે. તેમણે મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતિ દરમિયાન લેવામાં આવેલી એક અનોખી પહેલ પર પ્રકાશ પાડ્યો હતો. જ્યાં ૧૫૦ દેશોના ગાયકો લગભગ ૫૦૦-૬૦૦ વર્ષ પહેલાં નરસિંહ મહેતા દ્વારા લખાયેલ ભજન ‘વૈષ્ણવ જન તો‘ રજૂ કરવા માટે ભેગા થયા હતા. તેમણે કહ્યું કે આ વૈશ્વિક કલાત્મક પ્રયાસે નોંધપાત્ર અસર ઉભી કરી, વિશ્વને સુમેળમાં લાવ્યું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સમિટમાં હાજર ઘણા વ્યક્તિઓએ ગાંધીજીના દર્શનને આગળ ધપાવતા ટૂંકા વિડીયો સંદેશાઓ બનાવીને ગાંધી૧૫૦ (વન ફિફ્ટી) પહેલમાં યોગદાન આપ્યું હતું. તેમણે ટિપ્પણી કરી હતી કે ભારતના સર્જનાત્મક વિશ્વની સામૂહિક શક્તિ, આંતરરાષ્ટ્રીય સહયોગ સાથે પહેલાથી જ તેની ક્ષમતા દર્શાવી ચૂકી છે અને આ દ્રષ્ટિ હવે ઉછફઈજીના રૂપમાં સાકાર થઈ છે.
વેવ્ઝ સમિટના પ્રથમ સંસ્કરણની ભવ્ય સફળતાની પ્રશંસા કરતા શ્રી મોદીએ કહ્યું કે તેની શરૂઆતથી જ આ કાર્યક્રમે વૈશ્વિક ધ્યાન આકર્ષિત કર્યું છે અને તે “હેતુપૂર્ણ” છે. તેમણે સમિટના સલાહકાર બોર્ડના સમર્પણ અને પ્રયાસોને સ્વીકાર્યા અને સર્જનાત્મક ઉદ્યોગમાં વેવ્ઝને એક સીમાચિહ્નરૂપ ઘટના બનાવવામાં તેમની ભૂમિકા પર ભાર મૂક્યો. તેમણે મોટા પાયે ક્રિએટર્સ ચેલેન્જ અને ક્રિએટોસ્ફિયર પહેલ પર પ્રકાશ પાડ્યો હતો. જેમાં ૬૦ દેશોના લગભગ ૧૦૦,૦૦૦ સર્જનાત્મક વ્યાવસાયિકોની ભાગીદારી જાેવા મળી. તેમણે ટિપ્પણી કરી કે ૩૨ પડકારોમાંથી ૮૦૦ ફાઇનલિસ્ટ પસંદ કરવામાં આવ્યા છે. તેમની પ્રતિભાને ઓળખવામાં આવી છે અને તેમની સિદ્ધિ બદલ તેમને અભિનંદન આપવામાં આવ્યા છે. તેમણે ફાઇનલિસ્ટ્સને પ્રોત્સાહિત કરતા કહ્યું કે હવે તેમની પાસે વૈશ્વિક સર્જનાત્મક પ્લેટફોર્મ પર પોતાની છાપ છોડવાની તક છે.
પ્રધાનમંત્રીએ વેવ્ઝ સમિટ દરમિયાન ઇન્ડિયા પેવેલિયનમાં પ્રદર્શિત સર્જનાત્મક વિકાસ પ્રત્યે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે નોંધપાત્ર નવીનતાઓ પ્રાપ્ત થઈ છે અને તેઓ આ રચનાઓને પ્રત્યક્ષ જાેવા માટે આતુર છે. પ્રધાનમંત્રીએ વેવ્સ બજાર પહેલ પર પ્રકાશ પાડ્યો હતો. નવા સર્જકોને પ્રોત્સાહિત કરવા અને તેમને ઉભરતા બજારો સાથે જાેડવાની તેની સંભાવનાનો ઉલ્લેખ કર્યો. તેમણે કલા ઉદ્યોગમાં ખરીદદારો અને વેચાણકર્તાઓને જાેડવાના ખ્યાલની પ્રશંસા કરતા કહ્યું કે આવી પહેલ સર્જનાત્મક અર્થતંત્રને મજબૂત બનાવે છે અને કલાકારો માટે નવી તકો પૂરી પાડે છે.
સર્જનાત્મકતા અને માનવીય અનુભવ વચ્ચેના ઊંડાં મૂળિયાં ધરાવતાં જાેડાણનો ઉલ્લેખ કરતાં શ્રી મોદીએ કહ્યું હતું કે, બાળકની સફર માતાની હાલરડાથી શરૂ થાય છે. જે સૂર અને સંગીતનો તેમનો પ્રથમ પરિચય છે. શ્રી મોદીએ નોંધ્યું હતું કે, જે રીતે એક માતા પોતાનાં બાળક માટે સ્વપ્નોને વણી લે છે, તેવી જ રીતે રચનાત્મક વ્યાવસાયિકો પણ એક યુગનાં સ્વપ્નોને આકાર આપે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, વેવ્સનો સાર આ પ્રકારનાં સ્વપ્નદ્રષ્ટા વ્યક્તિઓને એકમંચ પર લાવવામાં રહેલો છે. જેઓ તેમની કળા મારફતે પેઢીઓને પ્રેરિત કરે છે અને પ્રભાવિત કરે છે.

Related Posts