ગુજરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાહોદ ખાતે ૯૦૦૦ HPનું પ્રથમ લોકોમોટિવ એન્જિન દેશને કરશે સમર્પિત

દાહોદમાં ‘મેઇક ઇન ઇન્ડિયા’ અભિગમ સાથે ૨૦ હજાર કરોડના ખર્ચે તૈયાર થયું છે રેલ્વે પ્રોડક્શન યુનિટ, લોકોમોટિવ એન્જિન પર લખાશે ‘મેન્યુફેક્ચરિંગ બાય દાહોદ’

*દાહોદમાં નિર્મિત રેલ્વે પ્રોડક્શન યુનિટ ૧૦ હજાર લોકો માટે રોજગારીનું માધ્યમ બનશે, સ્થાનિક અર્થતંત્રને મળશે વેગ

*દાહોદમાં બનેલા લોકોમોટિવ એન્જિન ૪૬૦૦ ટનના કાર્ગોનું વહન કરી શકશે, આગામી ૧૦ વર્ષમાં ૧૨૦૦ જેટલા એન્જિન તૈયાર કરવાનું લક્ષ્ય

ઓપરેશન સિંદૂર બાદ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પ્રથમ વખત પોતાના વતન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાનશ્રી ૨૬ અને ૨૭મેએ ગાંધીનગર, કચ્છ અને દાહોદ એમ ત્રણ જિલ્લામાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે. કચ્છના ભુજમાં મીરજાપર રોડ પર જાહેર સભા બાદ તેઓ માતાના મઢ આશાપુરા મંદિરના દર્શન કરશે. ઉલ્લેખનીય છે કે, દાહોદ ખાતે ૨૦ હજાર કરોડના ખર્ચે રેલ્વે પ્રોડક્શન યુનિટનું નિર્માણ થયું છે, જેમાં બનેલા ૯૦૦૦ એચપીના પ્રથમ લોકોમોટિવ એન્જિનનું વડાપ્રધાનશ્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.

*મેન્યુફેકચરિંગ બાય દાહોદ: આગામી ૧૦ વર્ષમાં તૈયાર થશે ૧૨૦૦ જેટલા લોકોમોટિવ એન્જિન

દાહોદ ખાતે પીપીપી મૉડલ પર તૈયાર થયેલા રેલ કારખાનામાં ૧૦ વર્ષમાં ૧૨૦૦ એન્જિન તૈયાર કરવામાં થશે અને ભવિષ્યમાં તેને દેશ-વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવશે. દાહોદમાં બનેલા લોકોમોટિવ એન્જિનને આગામી સમયમાં ૧૦૦% મેઇક ઇન ઇન્ડિયાના તર્જ પર બનાવવામાં આવશે. આ લોકોમોટિવ એન્જિનની ખાસિયત એ છે કે, તે ૪૬૦૦ ટનના કાર્ગો વહન કરવાની ક્ષમતા ધરાવે છે. એન્જિનમાં પ્રથમ વખત ચાલક માટે એસી તેમજ ટોયલેટ મૂકવામાં આવ્યા છે. આ સાથે દુર્ઘટનાથી બચવા માટે કવર સિસ્ટમ પહેલેથી જ લગાવવામાં આવ્યા છે. દાહોદમાં ૨૦ હજાર કરોડના ખર્ચે તૈયાર થયેલા રેલ કારખાનામાં આગામી ૧૦ વર્ષમાં ૧૨૦૦ જેટલા લોકોમોટીવ એન્જિન તૈયાર થવાના છે. દાહોદમાં હાલ ૪ એન્જિન હમણાં તૈયાર થઇ રહ્યા છે. આ તમામ એન્જિન ઉપર મેન્યુફેકચરિંગ બાય દાહોદ લખાશે.

*સ્થાનિક અર્થતંત્રને વેગ મળશે, રોજગારીનું માધ્યમ બનશેહા
આ પ્રોજેક્ટના પગલે દાહોદ સહિતના વિસ્તારોમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ૧૦ હજાર માનવીઓને રોજગારી મળશે તેમજ સ્થાનિક અર્થતંત્રને પણ વેગ મળશે. આ ઉપરાંત, સૌથી નીચા બીડર તરીકે બહાર આવેલી મલ્ટિનેશનલ કંપની દ્વારા રેવે એન્જિનના ઉત્પાદન માટે વિવિધ ચીજાેની જરૂરિયાત માટે પાવર સેકટર, એન્જિનિયરિંગ સેકટરની નાની-મોટી કંપનીઓ માટે પણ ચીજ વસ્તુઓ પૂરી પાડવા માટે તક ઊભી થશે.
ઉલ્લેખનીય છે કે, ૯૦૦૦ એચપીના ૬ એક્સલવાળા ઇલેક્ટ્રિક એન્જિનની સરેરાશ ઝડપ ૭૫ કિ.મી. કલાક રહેશે. પશ્ચિમ બંગાળના ખડગપુર, આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ, છત્તીસગઢના રાયપુર અને મહારાષ્ટ્રના પૂણે ડેપોમાં આ એન્જિનનું મેઇન્ટેનન્સ કરવામાં આવશે.

Related Posts