અમરેલી

“વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘વિકાસની રાજનીતિ’ અમલી બનાવી, અમરેલીને સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ સહિત અનેક વિકાસકામોની ભેટ મળી છે” : વિધાનસભા નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયા

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ અને સક્ષમ નેતૃત્વના ૨૪ વર્ષ પૂર્ણ થયા છે, ગુજરાતની વિકાસ યાત્રાને અવિરત ચાલુ રાખી નાગરિક પ્રથમ અભિગમ સાથે લોકાભિમુખ અને સક્રિય શાસનના પગલાના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં તા. ૭ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી હાથ ધરવામાં આવી છે.

વડાપ્રધાનશ્રીએ ખાસ ગ્રામીણ વિકાસ અને ઉત્કર્ષની સાથે શહેરી વિકાસ માટેની નવી કેડી કંડારી છે.  આજરોજ વિધાનસભા નાયબ મુખ્ય દંડક અને અમરેલી-કુંકાવાવ-વડીયા વિસ્તારના ધારાસભ્યશ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષ સ્થાને શાંતાબા જનરલ હોસ્પિટલ ઓડિટોરીયમ હોલ-અમરેલી ખાતે વિકાસ સપ્તાહ ઉજવણીનો સમાપન કાર્યક્રમ યોજાયો હતો. 

અમરેલી ખાતે સામાન્ય વહીવટ વિભાગ, પંચાયત અને ગ્રામીણ હાઉસિંગ અને ગ્રામીણ વિકાસ વિભાગ, રોડ અને બિલ્ડિંગ વિભાગ, નર્મદા, વોટર રિસોર્સ એન્ડ વોટર સપ્લાય વિભાગ, ઇન્ડસ્ટ્રીઝ અને માઇન્સ વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ કુલ રૂ.૭૨ કરોડથી વધુના ખર્ચે ૨,૧૨૯ વિકાસ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૪૫ કરોડથી વધુના ખર્ચે કુલ ૧,૨૧૭ નવા વિકાસકામોની કામગીરીનું ખાતમુર્હૂત કરવામાં આવ્યું છે. ઉપરાંત કુલ ૨૧ કરોડથી વધુના ખર્ચે ૯૧૨ જેટલા નવા વિકાસકામોનું લોકાર્પણ સમાવિષ્ટ છે.  

વિકાસ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુર્હૂત પ્રસંગે વિધાનસભા નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યુ કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘વિકાસની રાજનીતિ’ અમલી બનાવી છે. દેશમાં દરેક ક્ષેત્રે વિકાસલક્ષી પ્રકલ્પો આકાર પામ્યા છે. અમરેલીને પણ લાલાવદર ખાતે સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, સીસી રોડ સહિતના વિકાસ પ્રકલ્પોની ભેટ મળી છે. આ તકે તેમણે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ધન્યવાદ વ્યક્ત કર્યો હતો. 

વિકાસ સપ્તાહ ઉજવણી સમાપન કાર્યક્રમમાં લાઠી ધારાસભ્યશ્રી જનક તળાવીયા, જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યા પણ ઉપસ્થિત રહ્યા હતા.

શાંતાબા જનરલ હોસ્પિટલ ઓડિટોરીયમ હોલ-અમરેલી ખાતે વિકાસ સપ્તાહ ઉજવણી સમાપન કાર્યક્રમમાં  અમરેલી નગરપાલિકા પ્રમુખશ્રી બિપીનભાઈ લીંબાણી, જિલ્લા પંચાયત સભ્યશ્રીઓ, તાલુકા પંચાયત સભ્યશ્રીઓ, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી અતુલભાઈ કાનાણી, અમરેલી પ્રાંત અધિકારીશ્રી મહેશ નાકીયા, જિલ્લા આયોજન અધિકારીશ્રી ગોહિલ સહિત પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

Related Posts