મહેનત તણી સુગંધથી આખુંય આંગણું મહેકે છે,
યશોગાથા વિજયની આજે દીકરીઓના મુખે ચહેકે છે.
ગગન આંબવાને કાજે પાંખો
ફેલાવી છે જેણે,
આ સફળતાના શિલ્ડમાં એમની પ્રતિભા ચળકે છે.
–“પાંધી સર”
સાવરકુંડલા શહેરમાં આવેલ શ્રી એસ.વી.દોશી ગર્લ્સ હાઇસ્કૂલ અને શ્રી એ.કે. ઘેલાણી હાયર સેકન્ડરી સ્કૂલ-સાવરકુંડલા ખાતે તાજેતરમાં વિદ્યાર્થીનીઓના કૌશલ્યને બિરદાવવા માટે એક ભવ્ય ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ ૧૧-૪-૨૬ ના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં “ઇન્ડિયન સાયન્સ ઓલમ્પિયાડ” (ISO-ICO) અને “રંગોત્સવ” જેવી રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીનીઓને સન્માનિત કરવામાં આવી હતી.
શાળાના પ્રાંગણમાં આયોજિત આ કાર્યક્રમની શરૂઆત પવિત્ર પ્રાર્થના સાથે કરવામાં આવી હતી. શાળાના આચાર્યા શ્રી ઉષાબેન બી. તેરૈયાએ પ્રાસંગિક પ્રવચન આપતા તમામ વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે આવી સ્પર્ધાઓથી વિદ્યાર્થીનીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે છે.
વિવિધ કેટેગરીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીનીઓને આચાર્યાશ્રી ઉષાબેન બી. તેરૈયા, સુપરવાઇઝર નીતાબેન ત્રિવેદી તેમજ હિમાંશુભાઈ બોરીસાગર અને મેહુલભાઈ મહેતાના હસ્તે ઇનામ રૂપે શિલ્ડ અને પ્રમાણપત્રો આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. સ્પર્ધામાં ભાગ લેનાર દરેક દીકરીને પણ પ્રમાણપત્ર આપી તેમની મહેનતને બિરદાવવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન મેહુલભાઈ મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાલીઓ અને શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને દીકરીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો.
















Recent Comments