અમરેલી

જિલ્લામાં મતદાનના દિવસે મતદાન મથકની અંદર તથા ૧૦૦ મીટરના વિસ્તારમાં મત પ્રચાર માટે પ્રતિબંધ

ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણી-એપ્રિલ-૨૦૨૬ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ અન્વયે અમરેલી જિલ્લામાં કુલ ૦૬ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી તથા કુલ ૧૧ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. જેનું મતદાન તા. ૨૬.૦૪.૨૦૨૬ના રોજ યોજાશે ઉપરાંત મતગણતરી તા. ૨૮.૦૪.૨૦૨૬ના રોજ યોજાશે.

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ની કલમ ૧૬૩ હેઠળ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી અમરેલી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ અન્વયે સમગ્ર જિલ્લામાં મતદાન મથકની અંદર તથા મતદાન મથકથી ૧૦૦ મીટરના અંતરમાં આવેલ વિસ્તારમાં કોઈપણ વ્યક્તિ મત પ્રચાર કરી શકશે નહીં. મત પ્રચાર માટે સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. ઉપરાંત મતદારોને ધાક-ધમકી આપીને કે રંજાડીને મતદાન કરવા જતા અટકાવવા, કોઈપણ મતદારને મત આપવા આગ્રહપૂર્વક વિનંતી કરવી, અમુક ઉમેદવારને મત ન આપવા માટે કોઈ મતદારને સમજાવવા, સાથે ચૂંટણીમાં મત ન આપવા બાબતે સમજાવવા, ચૂંટણી લગતી (સરકારી નોટીસ સિવાયની) કોઈ નોટીસ કે નિશાની પ્રદર્શિત કરવી, સેલ્યુલર કે મોબાઈલ ફોન,કોડલેસ ફોન, પેજર, વાયરલેસ સેટ કે અન્ય વિજાણુ સંદેશાવ્યવહારના સાધનો લઈ જવા પર પ્રતિબંધ રહેશે. વાહનો સાથે આવવા પર પણ પ્રતિબંધ રહેશે.

મતદાન મથકમાં મતદાન માટે આવેલ મતદાર, ઉમેદવાર, તથા ચૂંટણી પંચે અધિકૃત કરેલ વ્યક્તિ સિવાયની વ્યક્તિએ પ્રવેશ કરવા પર પ્રતિબંધ રહેશે. ઉમેદવારોના પ્રતિકો લાવવા પર કે કોઈ નિશાનીઓ રાખવી, એક ઉમેદવારના એકથી વધુ મતદાન મથક એજન્ટને હાજર રાખવા, કોઈપણ પક્ષના ચિન્હવાળી સ્લીપો વહેંચવા ઉપર પ્રતિબંધ રહેશે. મતદાન સમય દરમિયાન મતદાન એજન્ટોને મતદારયાદી મતદાન મથકની બહાર લઈ જવા પર પ્રતિબંધ રહેશે. મતદાન મથકમાં પ્રવેશવા માટે મતદારોએ એક લાઈનમાં ઉભા રહેવાનું રહેશે. દિવ્યાંગ મતદારો માટે અલગથી વ્યવસ્થા કરવાની રહેશે. મતદારોએ મતદાન મથકમાં વારાફરતી ક્રમમાં પ્રવેશવું, મતદાન બાદ તુરંત જ મતદાન મથક છોડી દેવાનું રહેશે.

આ જાહેરનામું જિલ્લાના તમામ વિસ્તારને લાગુ પડશે. ઉપરાંત તા. ૨૬.૦૪.૨૦૨૬ના રોજ મતદાનના દિવસે લાગુ રહેશે. જો પુન:મતદાન થશે તો જે તે સંબંધિત મત વિસ્તાર માટે તા. ૨૭.૦૪.૨૦૨૬ના રોજ પણ અમલી રહેશે.

Related Posts