અમરેલી

“સહકારથી સમૃદ્ધિ” – જિલ્લામાં નવી ૨૯ સેવા અને દૂધ સહકારી મંડળીઓનો પ્રારંભ

અમરેલી તા.૨૫ ડિસેમ્બર, ૨૦૨૪ (બુધવાર) “સહકારથી સમૃદ્ધિ” ના મંત્રને સાકાર કરવા ભારત અને ગુજરાત રાજય સરકાર કાર્યરત છે. સમગ્ર દેશમાં નવ રચિત બહુઉદ્દેશીય પ્રાથમિક કૃષિ ધિરાણ સહકારી મંડળીઓ, પ્રાથમિક દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ તેમજ પ્રાથમિક મત્સ્યોદ્યોગ સહકારી મંડળીઓનું ઉદ્દઘાટન ગૃહ અને સહકાર કેન્દ્રીય મંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.

ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા, મંત્રીગણ, સહકારી અગ્રણીશ્રીઓ સહિતના મહાનુભાવો  તેમજ દિલ્હી ખાતે ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમનું લાઈવ પ્રસારણ અમરેલી સ્થિત અમર ડેરી ખાતે કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ અને મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા સહિતના મહાનુભાવોએ સહકારિતા ક્ષેત્રની પ્રવૃત્તિઓના આયોજન અને તેના દ્વારા થતી આર્થિક ઉન્નતિ વિશેની વિગતો તેમના પ્રવચનમાં જણાવી હતી.

દેશમાં નવરચિત ૧૦ હજાર M- PACS, Dairy અને Fishery કો-ઓપરેટિવ સોસાયટીમાં રાજયની ૫૧૩ સહકારી સંસ્થાઓ અને અમરેલી જિલ્લામાં નવી નોંધાયેલ પાંચ સેવા સહકારી મંડળી તેમજ ૨૪ દૂધ સહકારી મંડળીઓને તેમના રજિસ્ટ્રેશનના આદેશ તથા ધિરાણ અને વસૂલાત વૃધ્ધિ ૧૩ મંડળીઓને રુ.૧૧,૫૭,૫૦૦ની સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વિવિધ સહાય હુકમ વિતરણના સહકારી કાર્યક્રમમાં અમરેલી જિલ્લા સહકારી મંડળી રજિસ્ટ્રારશ્રી સંદિપ ભટ્ટે જણાવ્યુ કે, અમરેલી જિલ્લામાં નવતર પહેલના ભાગરુપે દિવ્યાંગજનોની સહકારી મંડળી શરુ કરવામાં આવશે, આ માટેની કાર્યવાહી પ્રગતિ તળે છે. આગામી સમયમાં તેની નોંધણી સહિતની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આથી, સહકારી મંડળીને લગતી કામગીરી માટે અમરેલી જિલ્લાના દિવ્યાંગજનોને તેનો લાભ લેવા અનુરોધ છે.
અમરેલી અમર ડેરી ખાતે યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા સહકારી મંડળી રજિસ્ટ્રારશ્રી સંદિપ ભટ્ટ, શ્રી ડૉ. પટેલ, શ્રી જયંતિભાઇ પાનસુરિયા,  શ્રી શંભુભાઇ, શ્રી ભાવનાબેન ગોંડલિયા, શ્રી ત્રાપસિયા, શ્રી પ્રવીણભાઇ માંગરોળિયા, શ્રી કોઠીયા, શ્રી ધાર્મિકભાઇ રામાણી, અમરેલી જિલ્લા સહકારી ક્ષેત્રના અગ્રણીશ્રીઓ, મહાનુભાવો, કર્મયોગીશ્રીઓ, ખેડુત અને પશુપાલક ભાઇ-બહેનો અને  અમરેલી જિલ્લા સહકારી મંડળી કચેરીના અધિકારીશ્રી-કર્મયોગીશ્રીઓ સહિતના જોડાયા હતા.

Related Posts