ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર થયેલા ચૂંટણી કાર્યક્રમ અન્વયે અમરેલી જિલ્લાની રાજુલા, જાફરાબાદ, ચલાલા, લાઠી, અમરેલી, સાવરકુંડલા, દામનગર નગરપાલિકા તેમજ બગસરા તાલુકા પંચાયતની વાઘણીયા જૂના, બાબરા તાલુકા પંચાયતની કરિયાણા, ધારી તાલુકા પંચાયતની મીઠાપુર ડુંગરી બેઠકોની ચૂંટણીઓનું મતદાન તા.૧૬ ફેબ્રુઆરીએ અને મતગણતરી તા.૧૮ ફેબ્રુઆરીએ યોજાશે.
આ ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાઈ શકે તે માટે આદર્શ આચાર સંહિતા અમલમાં છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દિલિપસિંહ ગોહિલે, ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩ની પેટા કલમ-૦૧ (ડી-એ) ૧ (ડી-બી) ૧ (એન) તથા કલમ-૩૭ની પેટામ કલમ-૧થી ૩ અંતર્ગત મળેલી સત્તાની રૂઈએ પ્રતિબંધિત આદેશો ફરમવાતું જાહેરનામું બહાર પાડ્યું છે.
આ જાહેરનામા મુજબ, કોઈ પણ રાજકીય પક્ષો, ઉમેદવારો, અન્ય સંગઠનો, વ્યક્તિઓ દ્વારા ધ્વજ, બેનર્સ, હોર્ડીંગ, કટઆઉટ કે અન્ય પ્રચારના સાધનો બોર્ડ વગેરે માટે જાહેર સ્થળોએ, ખાનગી માલિકીની મિલકતો માટે સક્ષમ સત્તાધિકારીશ્રીની મંજૂરી મેળવવાની રહેશે.
આ અંગેનો ખર્ચ જે વિસ્તારમાં હોર્ડીંગ્સ, કટઆઉટ વગેરે મુકેલા હોય તે વિસ્તારના ઉમેદવારના ચૂંટણીખર્ચના હિસાબોમાં યોગ્ય જગ્યાએ દર્શાવવાનો રહેશે. ખાનગી માલિકીની મિલકતો, સરકારી, મ્યુનિસિપાલિટી, કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ વગેરે હસ્તકની જગ્યાઓ (કોન્ટ્રાક્ટથી આપેલી જગ્યાઓ હશે તો પણ) સક્ષમ અધિકારીશ્રીની મંજૂરી મેળવ્યા વિના મૂકી શકાશે નહીં.
જાહેર કે ખાનગી મકાનોની દિવાલો પર સૂત્રો લખવા, પોસ્ટર ચોંટાડવા, પ્રચાર સામગ્રી ચોંટાડવા અંગે પ્રવર્તમાન સ્થાનિક કાયદાઓનો ચુસ્ત અમલ કરવાનો રહેશે. ઉમેદવાર, ઉમેદવારીપત્રો ભરવા કે ઉમેદવારીપત્રોની ચકાસણી માં હાજરી આપવા કે ચૂંટણી પ્રતિકની ફાળવણી પ્રક્રિયામાં હાજરી આપવા માટે ચૂંટણી અધિકારીશ્રીની કચેરીમાં જાય ત્યારે મોટા સરઘસ આકારે જવું નહીં.
ખાનગી સ્થળોએ માલિકની પરવાનગી સિવાય જાહેર તથા ખાનગી મિલકત ઉપર ચૂંટણીલક્ષી પ્રચાર પત્રો ચોંટાડીને સૂત્રો લખીને દિવાલ બગાડવી નહીં તેમજ ધ્વજદંડ કે બેનર કે હોર્ડિંગ્સ પ્રદર્શિત કરવા નહીં કે પરવાનગી વગર ઉપયોગ કરવો નહીં. જાહેર મકાન જેવા મિલકત, ધોરીમાર્ગ પર અથવા માર્ગના મહત્વના ચાર રસ્તા પર માર્ગ દિશા બતાવતા સાઇન બોર્ડ, માઇલ સ્ટોન, રેલવે ફાટક વગેરે પર ચેતવણી નોટિસ, રેલવે પ્લેટફોર્મ, બસ ટર્મીનલ્સના બોર્ડ તેમજ જાહેર જનતાની સગવડ માટે પ્રદર્શીત કરેલા હોય તેવા બોર્ડનો સમાવેશ થાય છે.
એક પક્ષે જ્યાં સભા યોજી હોય ત્યાં બીજા પક્ષે સરઘસ લઈ જવું નહીં, પક્ષના ચોપાનીયા વહેંચીને ખલેલ પહોંચાડવી નહીં. એક પક્ષે બહાર પાડેલા ભીતચિંત્રો બીજા પક્ષના કાર્યકરોએ દૂર કરવા નહીં. સભા મીટીંગ કે રેલી રાખી હોય તે સ્થળની અંદર સભા, મીટીંગ સમય દરમિયાન જ બેનર્સ, હોર્ડીંગ, કટઆઉટ પોસ્ટર્સ પ્રદર્શિત કરી શકાશે.
ચૂંટણી કમિશન તરફથી થયેલા હુકમ મુજબ કોઈપણ સંજોગોમાં ત્રણ કરતા વધુ સુરક્ષા ધરાવતો કાફલો કેન્દ્રના અથવા રાજ્ય સરકારના કોઈ મંત્રીશ્રીએ લઈ જવો નહીં. રાજકીય પક્ષ કે ઉમેદવાર કે એજન્ટે ચૂંટણીના પ્રચાર માટે કાફલામાં ત્રણ કે તેથી વધુ વાહનો લઈ જવા નહીં. ડોર ટુ ડોર પ્રચાર વખતે પાંચથી વધુ વ્યક્તિઓ (ઉમેદવારની સુરક્ષાને બાદ કરતા) લઈ જવા નહીં.
પ્રચાર માટે રોડ શો કરતી વખતે ચૂંટણી પંચની માર્ગદર્શિકામાં અમલ હોય તેવા આદેશોના આધિન વાહનોનો કાફલો દર પાંચ વાહન પછી છૂટો પાડવાનો રહેશે. બે કાફલા વચ્ચે ૧૦૦ મીટરના અંતરના બદલે ઓછામાં ઓછો ૩૦ મિનિટનો અંતરાલ રાખવાનો રહેશે.
છટાદાર ભાષણો, ચાળા પાડવા, નકલો કરવાની, ચિત્રો, નિશાનીઓ, જાહેર ખબરો અથવા પદાર્થ વસ્તુઓ તૈયાર કરવાની, દેખાડવાની અથવા તેનો ફેલાવો કરવાની અથવ સક્ષમ અધિકારીશ્રીના અભિપ્રાય મુજબ સુરુચિ અથવા નીતિનો ભંગ થતો હોય તેવા કૃત્યો કરી શકાશે નહીં. ચૂંટણી દરમિયાન કોઈપણ જનસમૂહ કે રાજકીય પક્ષકારો જિલ્લાની કોઈપણ સરકારી કચેરીઓમાં અધિકારીશ્રીઓની કચેરીઓમાં ટોળારુપે સમૂહમાં કોઈપણ રીતે એકઠા થઈ આવેદનપત્રો આપવાના બહાને સરઘસના રૂપમાં ચારથી વધુ વ્યક્તિઓ એકઠા થવા પર પ્રતિબંધ છે.
જિલ્લાની તમામ કચેરીઓના વિસ્તારમાં ચાર કરતાં વધુ વ્યક્તિના એકસાથે ગેરકાયદેસર ભેગા થવા, મંડળી, રેલી કે સરઘસ કાઢવા પર મનાઈ છે. નામાંકન પત્ર ભરવા આવનાર ઉમેદવારે પોતાના સહિત પાંચથી વધુ વ્યક્તિને લઈ ચૂંટણી અધિકારીશ્રીની કચેરીમાં પ્રવેશ કરી શકાશે નહીં. સભા સરઘસ માટે સંબંધિત ચૂંટણી અધિકારીશ્રીની પરવાનગી લેવી પડશે.
આ હુકમનો ઉલ્લંઘન કરનાર અથવા મદદ કરનાર શખ્સ સામે ગુજરાત ચૂંટણી અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩ના ભંગ બદલ આજ એક્ટની કલમ-૧૩૧ તથા કલમ-૩૭ના ભંગ બદલ કલમ-૧૩૫ હેઠળ સજા થશે. જેના મુજબ કાર્યવાહી કરવા માટે અમરેલી જિલ્લાના હેડ કોન્સ્ટેબલ કે તેથી ઉપરનો દરજ્જો ધરાવતા પોલીસ અધિકારીશ્રીઓને સૂચિત કરવામાં આવ્યા છે.
Recent Comments