અમરેલી

સાવરકુંડલામાં ‘વોક ફોર હર’ અંતર્ગત જનજાગૃતિ રેલી: આશીર્વાદ ફાઉન્ડેશન અને શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે મહિલા આરોગ્ય અને તંદુરસ્તી માટે શહેરમાં રેલી યોજાય

​તંદુરસ્તીની આ મશાલ લઈને ચાલતા રહીએ,

બીમારીઓના અંધકારને કદમોથી હટાવતા રહીએ.

​સેવા અને સ્વાસ્થ્યનો સંગમ છે આ ‘કુંડલા’માં,

ચાલો, જાગૃતિના નવા દીપ હર ઘરે પ્રગટાવતા રહીએ.

–“પાંધી સર” 

​સાવરકુંડલા શહેરમાં વિશ્ર્વ મહિલા દિવસના પૂર્વેના દિવસે ​શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર, સાવરકુંડલા અને આશીર્વાદ ફાઉન્ડેશન, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે આજે સાવરકુંડલાના રાજમાર્ગો પર ‘વોક ફોર હર – ૨૬’ કાર્યક્રમ ભવ્ય રીતે સંપન્ન થયો હતો. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર પ્રત્યે જાગૃતિ લાવવાનો અને સમાજમાં શારીરિક વ્યાયામનું મહત્વ સમજાવવાનો હતો.

આજરોજ સવારે ૮:૩૦ કલાકે કાણકિયા કોલેજના પ્રવેશદ્વારથી ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ લીલી ઝંડી આપી રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલીની વિશેષતા એ હતી કે તમામ સહભાગીઓએ મોબાઈલમાં ખાસ એપ્લિકેશન ડાઉનલોડ કરી ૫૦૦૦ કદમ ચાલવાનું લક્ષ્ય પૂર્ણ કર્યું હતું. રેલી કાણકિયા કોલેજથી શરૂ થઈ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હોમગાર્ડ ઓફિસ ખાતે પૂર્ણ થઈ હતી.

રેલીનો મૂળ હેતુ આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા મહિલાઓ માટે મેમોગ્રાફી અને સોનોગ્રાફી જેવા મોંઘા પરીક્ષણો વિનામૂલ્યે પૂરા પાડવાનો છે. આ પ્રસંગે  ઉદ્યોગપતિ રસિકભાઈ વેકરીયાના પરિવારની એક ચાર વર્ષની બેબીએ પણ આ રેલીમાં બધા સાથે જોડાઈને આકર્ષણ જમાવ્યું હતું, જે સમાજ માટે એક પ્રેરણારૂપ ઉદાહરણ બન્યું હતું.

સાંપ્રત સમયમાં ખાસકરીને યુવા જગતમાં વધતા જતા હૃદયરોગના હુમલાઓ સામે સાવચેત રહેવા અને ‘પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર’ (રોગ થાય તે પહેલાં સાવચેતી) ના સૂત્રને જીવનમાં ઉતારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. અને આપ ચલશો તો જિંદગી શાંતિ  અને સમૃદ્ધિ સાથે ચાલશે એવા શુભાશય સાથે હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. પ્રકાશ કટારીયા અને તેમની ટીમે આ આયોજનને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.આ પ્રસંગે સાવરકુંડલાના વિવિધ સંગઠનોના આગેવાનો, સામાજિક કાર્યકરો, કોલેજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ શહેરના પ્રતિષ્ઠિત પત્રકારો, હોમગાર્ડ, પોલીસ તંત્ર તેમજ કાણકિયા કોલેજના પ્રિન્સિપાલ સાહેબ સમેત સમગ્ર કર્મચારીગણ તથા ટ્રસ્ટીગણ પણ આ રેલીમાં જોડાયા હતા. એકંદરે ત્રણસો જેટલા લોકો આ રેલીમાં જોડાયા હતા.

Related Posts