અમરેલી

ઘઉંની ટેકાના ભાવે ખરીદી :  તા.૦૫ એપ્રિલ સુધીમાં નોંધણી કરાવવી

ખેડૂતોને તેમના ખેત ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવી ઋતુ ૨૦૨૫-૨૬માં રાજ્ય સરકાર દ્વારા ઘઉના લઘુતમ ટેકાના ભાવ રુ.૨,૪૨૫ પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યા છે. જે અંતર્ગત  ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી.ને નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરી તા.૧૭ માર્ચ, ૨૦૨૫થી ઘઉની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે.

લઘુતમ ટેકાના ભાવે ઘઉંના વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઈન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ વી.સી.ઈ. મારફતે તા.૧૬.૦૩.૨૦૨૫ સુધી કરવામાં આવી હતી, આ સમય મર્યાદામાં વધારો કરીને નોંધણી પ્રક્રિયાની તા.૦૫ એપ્રિલ, ૨૦૨૫ સુધી લંબાવવામાં આવી છે. આ પ્રક્રિયા અંતર્ગત ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા નોંધણી કરવામાં આવશે.

નોંધણી માટે આધારકાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો ૭/૧૨, ૮ અ, ખેડૂતના બેંક ખાતાની વિગત બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની સહિત નકલ જરુરી પુરાવાઓ સાથે લાવવા.

પાક લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક ખેડૂતોએ ગ્રામ પંચાયતનો સંપર્ક કરીને ફરજિયાત નોંધણી કરાવવી.

નોંધણી કરાવતી વખતે તમામ ડોક્યુમેન્ટ સુવાચ્ય રીતે અપલોડ થાય તથા માગ્યા મુજબના જ હોય તેની કાળજી લેવી. ટેકાના ભાવે ખરીદી માટે રજિસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોને એસ.એમ.એસ. મારફત ખરીદી અંગેની જાણ કરવામાં આવશે.

ખેડૂતોએ ખરીદી સમયે પોતાનું આધારકાર્ડ, ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા જ ખેડૂત ખાતેદારના જથ્થાની ખરીદી કરવામાં આવશે. નોંધણી સમયે ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં આવશે તો અને તેવા કિસ્સામાં આપનો ક્રમ રદ કરવામાં આવશે તેમ વડીયા તાલુકા મામલતદારશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts