ગુજરાત

રાજકોટ સિવિલ હોસ્પિટલની સુરક્ષા પર સવાલ, કમ્પાઉન્ડમાંથી દારૂની બોટલો મળી, તપાસ કમિટી રચાશે!

રાજકોટ સિવિલ હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા પર ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે. હોસ્પિટલના જુના બિલ્ડીંગના કમ્પાઉન્ડમાંથી દારૂની બોટલો મળી આવતાં મોટો હોબાળો મચી ગયો છે.રાજ્યની સૌથી મોટી સરકારી હોસ્પિટલોમાંની એક એવી રાજકોટ સિવિલ હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા પર ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે. સંદેશ ન્યૂઝ દ્વારા કરવામાં આવેલા રિયાલિટી ચેકમાં હોસ્પિટલના જુના બિલ્ડીંગના કમ્પાઉન્ડમાંથી દારૂની બોટલો મળી આવતાં મોટો હોબાળો મચી ગયો છે.સિવિલ હોસ્પિટલના જુના બિલ્ડીંગના કમ્પાઉન્ડ વિસ્તારમાંથી શરૂઆતમાં ત્રણ બોટલો મળી આવી હતી, જોકે બાદમાં તપાસ કરતા કુલ નવ જેટલી દારૂની બોટલો મળી આવતાં ચકચાર મચી ગઈ હતી. આટલી મોટી સંખ્યામાં દારૂની બોટલો મળી આવવાથી કમ્પાઉન્ડની અંદર જ મોડી રાત્રે અસામાજિક તત્વો દ્વારા દારૂની પાર્ટી થતી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અગાઉ પણ આ જ વિસ્તારમાંથી અનેક વખત દારૂની બોટલો મળી ચૂકી છે, જેના પરથી સ્પષ્ટ થાય છે કે હોસ્પિટલના સુરક્ષા સ્ટાફની નબળાઈને કારણે આ પ્રવૃત્તિઓ અવારનવાર ચાલતી રહે છે.સિવિલ હોસ્પિટલની સુરક્ષા પાછળ સરકાર દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, તેમ છતાં વારંવાર આવી ઘટનાઓ બનવાથી સિક્યુરિટી સ્ટાફની કામગીરી અને હોસ્પિટલના વહીવટી તંત્રની બેદરકારી પર ગંભીર સવાલો ઊભા થયા છે.તાત્કાલિક પ્રદ્યુમનનગર પોલીસે હોસ્પિટલ કમ્પાઉન્ડમાં તપાસ હાથ ધરી હતી, અને આ મામલે સિક્યુરિટી સ્ટાફે ઝડપથી દારૂની બોટલો હટાવી લીધી હોવાનું પણ સામે આવ્યું છે.આ સમગ્ર મામલે વિવાદ વધતાં સિવિલ હોસ્પિટલના સિનિયર ડોક્ટર એમ.એસ. રાવનું નિવેદન આવ્યું છે. તેમણે જણાવ્યું કે  હોસ્પિટલ દ્વારા આ ગંભીર મુદ્દે તાત્કાલિક તપાસ કમિટી બનાવવામાં આવશે. આ મામલે જે પણ જવાબદારો હશે, તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જો હોસ્પિટલના સ્ટાફમાંથી કોઈની સંડોવણી જણાશે, તો તેમની સામે પણ નિયમ મુજબ કાર્યવાહી હાથ ધરાશે. પોલીસ અને હોસ્પિટલ તંત્ર બંનેએ આ મુદ્દે ગંભીરતાથી પગલાં લેવાની ખાતરી આપી છે.

Related Posts