રાષ્ટ્રીય

રાહુલ ગાંધીએ અનેક મુદ્દે PM મોદી અને CM નીતિશ પર સાધ્યું નિશાન

બિહાર વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આજે બેગૂસરાયમાં ચૂંટણી રેલીને સંબોધી હતી. તેમણે સદર વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અમિતાભ ભૂષણના સમર્થનમાં વોટ માંગ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પર આકરા પ્રહારો કર્યા હતા.રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા કહ્યું કે, ‘56 ઇંચની છાતીમાં કંઈ નથી, તે ડરપોક છે. 1971માં અમેરિકાએ ધમકી આપી હતી, છતાં મારા પૂર્વ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીએ ઝુંક્યા વગર પાકિસ્તાનને હરાવીને બાંગ્લાદેશ બનાવ્યું હતું.’રાહુલે આક્ષેપ કર્યો છે કે, ‘અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કહેવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓપરેશન સિંદૂર રોકી દીધું હતું. મોદીજી યુવાનોને રીલ બનાવવાની સલાહ આપીને બેરોજગારી, મોંઘવારી અને ભ્રષ્ટાચાર જેવા અસલી મુદ્દાઓથી ભટકાવવા માંગે છે.’રાહુલ ગાંધીએ વચન આપ્યું છે કે, જો કેન્દ્ર અને બિહારમાં INDIA ગઠબંધન સત્તામાં આવશે, તો શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લવાશે. અમે નાલંદા યુનિવર્સિટી જેવી વિશ્વસ્તરીય સંસ્થાઓ બનાવીશું અને અહીં વિશ્વભરના વિદ્યાર્થીઓ ભણવા આવશે. કોંગ્રેસની સરકાર કોઈ એક જાતિ કે વર્ગની નહીં હોય, પરંતુ તમામ વર્ગના વિકાસ માટે કામ કરશે. હવે મેડ ઈન ચાઈના નહીં, પણ મેડ ઈન બિહાર ચાલશે.’રાહુલ ગાંધીએ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પર પણ પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, ‘નીતીશ કુમારની 20 વર્ષની સરકારે શિક્ષણ, આરોગ્ય અને રોજગારના ક્ષેત્રમાં કોઈ નક્કર કામ કર્યું નથી. વડાપ્રધાન મોદી માત્ર વોટ લેવા માટે ડ્રામા કરે છે, ખોટું બોલે છે, સત્તામાં રહેવા માટે તેઓ કંઈ પણ કરવા તૈયાર છે. આજે બિહારનો યુવાન મહેનતથી ભણે છે, પરંતુ બે-ત્રણ દિવસ પહેલા માહિતી મળે છે કે, પેપર લીક થઈ ગયું. ભાજપના નજીકના લોકોને પહેલેથી જ પેપર મળી જાય છે અને તે પરીક્ષા પાસ કરી લે છે, જ્યારે સામાન્ય યુવાનો મજૂરી કરવા બહાર જવા મજબૂર છે.’

Related Posts