હવામાન વિભાગની આગોતરી આગાહી અનુસાર દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં નવરાત્રી સાથે જ મેઘરાજાની પધરામણી થઈ છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદી તાંડવ થયું હોય તેમ દોઢથી માંડીને આઠ ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આઠ ઈંચ સુધી વરસાદ ખાબક્યો છે. ખાસ કરીને ગરબાની ધૂમ મચે છે તેવા મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં વરસાદી માહોલના કારણે નવરાત્રીની ઉજવણીમાં વિક્ષેપ સર્જાયો છે. ચાર મહાનગરો અને આસપાસના અનેક ગામોમાં ગરબાના અનેક આયોજનો એક દિવસ માટે રદ કરવાની ફરજ પડી હતી. કચ્છના રાપરમાં ઝાપટાં સિવાય બફારા વચ્ચે વરસાદની સંભાવના છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ હજુ બે દિવસ સુધી રહેવાની આગાહી કરાઈ છે. નવરાત્રી દરમિયાન અમદાવાદ અને ગાંધીનગર શહેર જાણે એક બની ગયાં છે. નવરાત્રીની ઉજવણીની ધૂમ જામી હતી ત્યાં રવિવારે બપોરથી અમદાવાદ – ગાંધીનગર વચ્ચે વરસાદી માહોલથી નવરાત્રીની ઉજવણી ધોવાઈ ગઈ હતી. બપોરથી રાત સુધીમાં દોઢથી બે ઈંચ વરસાદથી અમદાવાદ અને ગાંધીનગર હાઈવે ઉપર નવરાત્રીના સરકારી અને ખાનગી આયોજનો રવિવારે મુલતવી રાખવા પડયાં હતાં. અમદાવાદ – ગાંધીનગરમાં શેરી અને સોસાયટીઓના ઘણાંખરાં ગરબામાં આરતી સાથે આદ્યશક્તિની આરાધનાનું ગાન કરાયું હતું. હજુ વરસાદની આગાહી હોવાથી સોમવારની સ્થિતિ શું હશે તેના ઉપર ખેલૈયાઓની નજર છે.
સોમવારે પણ અનેક જિલ્લાઓમાં વરસાદ વરસતા જાહેર ગરબા આયોજકો દ્વારા સતત બીજા દિવસે પણ અમુક સ્થળો પર ગરબા મોકૂફ રાખવામાં આવ્યા હતા.
ખંભાતના અખાત નજીક સર્જાયેલ વેલમાર્ક લો પ્રેશરને પગલે, ગુજરાતમાં આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની સંભાવના હોવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે સમગ્ર રાજ્યના દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ લગાવવા સુચના આપી છે. માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયો ના ખેડવા સલાહ આપવામાં આવી છે. આજે સવારે 6 કલાકે પૂરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના 232 તાલુકામાં વરસાદ વરસ્યો છે.
ખંભાતના અખાત નજીક સર્જાયેલ વેલ માર્ક લો પ્રેશરને પગલે, આજે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ખાસ કરીને, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. સમગ્ર રાજ્યમાં સાત દિવસ સુધી એલર્ટ અપાયું છે. પરંતુ આાગામી 4 દિવસ વધુ સાવચેત રહેવા તાકીદ કરવામાં આવી છે. ગત 24 કલાક દરમિયાન સમગ્ર રાજ્યમાં 33 જિલ્લાના 232 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. જે અંતર્ગત છેલ્લાં 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી વધુ ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકામાં 8 ઇંચ વરસાદ વરસાદ તથા વલસાડના કપરાડા અને ઉમરગાવ, ગીર સોમનાથના પાટણ-વેરાવળ અને જૂનાગઢના માંગરોળમાં 4-4 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.
ભારે પવન અને દરિયામાં ઊંચા મોજા ઉછળવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. વરસાદની આગાહી અને સંભવિત ખતરાને પગલે, આજે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તમામ પોર્ટ પર જરૂરી સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે, જેથી જહાજોને અને દરિયાઈ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકોને સાવચેત કરી શકાય.
રાજ્યના પાટનગર અમદાવાદમાં પણ વરસાદની શક્યતા છે. અમદાવાદમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી છે. શહેરના અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પણ પડી શકે છે. આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં વાતાવરણ વરસાદી રહેવાની શક્યતા હોવાથી લોકોને સલામતી જાળવવા અને નદી-નાળાથી દૂર રહેવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
રાજ્યમાં ચોમાસાની ઋતુ દરમિયાન 01 જૂન, 2025 થી આજ દિન સુધીમાં વરસાદના પગલે વહીવટી તંત્ર દ્વારા 15,971 નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે, તેમજ 1,351 નગરિકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. વધુમાં ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતનાં દરિયા કિનારાના વિસ્તારોમાં માછીમારોને 29 સપ્ટેમ્બરથી 02 ઓકટોબર, 2025 સુધી દરિયો ન ખેડવા ચેતવણી પણ આપવામાં આવી છે.



















Recent Comments