અમરેલી

રાજુલામાં કેન્સર મટાડવાના બહાને તાંત્રિક વિધિના નામે દુષ્કર્મ

રાજુલા પંથકમાં કેન્સર જેવી ગંભીર બીમારીનો લાભ લઈને એક મહિલા પર બળાત્કાર અને ધમકી આપવાનો સનસનીખેજ બનાવ સામે આવ્યો છે. પડોશમાં રહેતા પતિ-પત્નીએ મહિલાના ભાઈની બીમારીનો ફાયદો ઉઠાવી આ ગુનો આચર્યો હતો. બનાવ અંગે પીડિતાએ જયસુખભાઇ સવજીભાઇ કલસરીયા તથા પુજાબેન જયસુખભાઇ કલસરીયા સામે ફરિયાદ નોંધાવી હતી.પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, મહિલાના ભાઈ સાહેદ હુસૈનભાઈને આજથી આશરે ત્રણ વર્ષ પહેલાં કેન્સરની બીમારી થઈ હતી. પીડિતા અને આરોપીઓ પડોશમાં રહેતા હોવાથી એકબીજાને ઓળખતા હતા. આ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવીને જયસુખભાઈ કલસરીયાએ તેમને “આ કેન્સર મટાડવા માટે તાંત્રિક વિધિ કરવી પડશે અને તારે મારી સાથે સૂવું પડશે.” તેમ કહીને શરીર સંબંધ બાંધ્યો હતો. જે બાદ બંને આરોપીએ તેને તેમના ઘરે બોલાવી હતી. જયસુખભાઈ કલસરીયાએ તેની મરજી વિરુદ્ધ અવારનવાર શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. તેમજ જયસુખભાઈ સાથે લગ્ન કરવા માટે દબાણ કર્યું હતું. લગ્ન નહીં કરે તો ફરિયાદી, તેમના ભાઈ અને માતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ રીતે આરોપીએ ત્રણ વર્ષ સુધી અલગ-અલગ સમયે મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. બંને આરોપીઓના ત્રાસથી કંટાળીને ફરિયાદીએ પોતાની મેળે ફિનાઇલ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેથી સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. રાજુલા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ આર.એલ. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.

Related Posts