અમરેલી જિલ્લામાં રવિ સીઝન ૨૦૨૫-૨૬ દરમિયાન થયેલ વાવેતરની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. જેમાં છેલ્લા ત્રણ વર્ષના સરેરાશ અંદાજિત કુલ વાવેતર વિસ્તાર ૧,૮૪,૧૦૮ હેક્ટરની સરખામણીએ ચાલુ વર્ષ રવિ સીઝનમાં અંદાજિત ૨,૪૫,૦૭૭ હેક્ટર વિસ્તારમાં વાવેતર નોંધાયું છે. જે અમરેલી જિલ્લામાં રવિ સીઝન માટે અત્યાર સુધીનું સૌથી વધુ વાવેતર હોવાનું નોંધપાત્ર રીતે સામે આવ્યું છે.
આ અંગે જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી જણાવે છે કે, ગત વર્ષોની સરખામણીએ ચાલુ વર્ષે રવિ સીઝનમાં ૧૩૩ ટકાથી વધુ વાવેતર નોંધાયું છે, જે અમરેલી જિલ્લા માટે કૃષિ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવે છે. સમગ્ર રાજ્યની સરખામણીએ અમરેલી જિલ્લામાં રવિ સીઝનમાં વાવેતરના મામલે ત્રીજો ક્રમ પ્રાપ્ત થયો છે. તેમજ ચણા અને ડુંગળી પાકના વાવેતરમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે નોંધપાત્ર વધારો નોંધાયો છે.
જિલ્લામાં રવિ સીઝનમાં મુખ્ય પાકોના અંદાજિત વાવેતર વિસ્તાર મુજબ ચણા પાકનું ૧,૧૧,૩૩૩ હેક્ટર, ઘઉં પાકનું ૬૪,૯૫૯ હેક્ટર, ડુંગળી-લસણ પાકનું ૨૨,૦૮૧ હેક્ટર, ધાણા પાકનું ૧૫,૨૫૨ હેક્ટર તથા જીરૂ પાકનું ૬,૯૦૭ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયેલ છે.
રવિ સીઝન ૨૦૨૫-૨૬ દરમિયાન તાલુકા પ્રમાણે કુલ વાવેતર વિસ્તારની વિગતો મુજબ સાવરકુંડલા તાલુકામાં અંદાજિત ૪૦,૫૪૧ હેક્ટર, બાબરા તાલુકામાં ૩૮,૨૫૬ હેક્ટર, ધારી તાલુકામાં ૨૯,૩૬૪ હેક્ટર, અમરેલી તાલુકામાં ૨૭,૮૫૮ હેક્ટર, કુંકાવાવ–વડિયા તાલુકામાં ૨૫,૮૩૪ હેક્ટર, ખાંભા તાલુકામાં ૨૦,૮૬૧ હેક્ટર, રાજુલા તાલુકામાં ૧૮,૪૧૮ હેક્ટર, બગસરા તાલુકામાં ૧૭,૯૪૬ હેક્ટર, લાઠી તાલુકામાં ૧૭,૦૪૨ હેક્ટર, જાફરાબાદ તાલુકામાં ૬,૦૦૫ હેક્ટર તથા લીલીયા તાલુકામાં ૨,૯૫૨ હેક્ટર વિસ્તારમાં રવિ પાકોનું વાવેતર નોંધાયું છે.
આ રેકોર્ડબ્રેક વધારાના મુખ્ય કારણોમાં પાછલા સમયમાં થયેલ ભારે કમોસમી વરસાદથી થયેલ પાણીનો સંગ્રહ, ધરતીપુત્રોની અથાગ મહેનત તેમજ સરકારશ્રી દ્વારા આપવામાં આવેલ કૃષિ માર્ગદર્શન અને વિવિધ યોજનાઓનો મહત્વપૂર્ણ ફાળો રહેલ છે. હાલ ફીલ્ડ સ્તરેથી પ્રાપ્ત થયેલ અહેવાલો મુજબ તમામ પાકોની સ્થિતિ ખુબ સારી જણાઈ રહી છે, જેના કારણે ખેડૂતોને ધાર્યા મુજબનું ઉત્પાદન મળવાની શક્યતાઓ ઉજળી બની છે.


















Recent Comments