અમરેલી

પ્રાદેશિક કમિશનર, ભાવનગર ઝોન, ધવલ પંડ્યા દ્વારા અમરેલી જિલ્લાની ચલાલા મુલાકાત લેવામાં આવી

ચલાલા ખાતે ઘન કચરાના નિકાલની ડમ્પ સાઇટ, ગંદા પાણીના શુધ્ધિકરણ કરતા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની, પીવાના પાણીના શુધ્ધિકરણ માટેના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની, અમૃત 2.0 યોજના અંતર્ગત પ્રગતિ હેઠળના બગીચાની સાઇટની, નગરપાલિકા હસ્તકના શાકમાર્કેટ બિલ્ડીંગની, આઇકોનિક રોડ યોજના હેઠળ ચલાલા બસ સ્ટેન્ડથી અમરેલી રોડ નવીનીકરણના કામ વગેરેની સાઇટ વિઝિટ કરવામાં આવેલ અને કામગીરીની સમીક્ષા કરવામાં આવેલ.

ઘન કચરાના નિકાલની સાઇટની વિઝિટ દરમિયાન સ્વચ્છ ભારત મિશન અંતર્ગતના કામોની પ્રગતિની સમીક્ષા કરવામાં આવેલ અને ઘન કચરાના પ્રોસેસિંગ પ્લાન્ટ ઝડપથી શરૂ થાય તે માટે બાકીના કામો પૂર્ણ કરવા અને અહીં પડેલ જૂના વાહનોનો યોગ્ય નિકાલ કરવા કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી. સાથે ઘરે ઘરેથી કચરો ઉઠાવવાનું કામ યોગ્ય રીતે કરવા અને મિલકત દીઠ પૂરતા પ્રમાણમાં વાહનો મુકાવવા જણાવ્યું. શહેરમાં જો ઘરે ઘરેથી કચરો ઉઠાવવાનું કામ યોગ્ય રીતે થાય તો શહેરમાં કચરાનું પ્રમાણ ઘટાડી શકાય તેમ સૂચન કરવામાં આવ્યું અને સવારના સમયમાં જ કચરો ઉઠાવવાનું કામ પૂરું થાય તે જોવા જણાવ્યું. 

ગંદા પાણીના શુધ્ધિકરણ માટેના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત દરમિયાન અહીં આવતા ગંદા પાણીના જથ્થા અને શુધ્ધિકરણ થયા બાદના પાણીના જથ્થા અંગે ચર્ચા કરવામાં આવી અને પાલિકા ઇજનેરને આ બાબતનું મોનીટરીંગ રાખવા સૂચન કરવામાં આવ્યું. ઉપરાંત શહેરમાં ગટરવેરો દાખલ કરવા અને જો કોઈ મિલકતનું જોડાણ ગટરલાઇન સાથે કરવાનું બાકી હોય તો તેનો સર્વે કરી તાત્કાલિક જોડાણ કરવા જણાવ્યું. 

ત્યારબાદ અમૃત 2 યોજના અને મુખ્યમંત્રી શહેરી ઉદ્યાન યોજના હેઠળ આવરી લેવામાં આવેલ ખળાવડ જગ્યામાં આયોજિત બગીચાની સાઇટ મુલાકાત લેવામાં આવી અને તેમાં લેવામાં આવેલ કામોની સમીક્ષા કરવામાં આવી. આ કામમાં વધુમાં વધુ હરિયાળીના કામો લેવા અને પેવર બ્લોક અને કોંક્રિટનું કામ જરૂરિયાત પૂરતું જ લેવા સૂચન કરવામાં આવ્યું અને આ અંગેની દરખાસ્ત તાત્કાલિક પ્રાદેશિક કમિશનર કચેરી ખાતે મોકલી આપવા ઇજનેરશ્રીને જણાવ્યું. નગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૧૪- ૧૫માં નિર્માણ કરેલ શાકમાર્કેટ બિલ્ડીંગની મુલાકાત લેવામાં આવી. આ શાકમાર્કેટની સ્થિતિ સારી હોય અને પ્લાનિંગ પણ યોગ્ય રીતે કરવામાં આવેલ હોય, આ બંધ હાલતમાં હોય તે વાત યોગ્ય નથી તેમ ચીફ ઓફિસરશ્રીને જણાવેલ અને તાત્કાલિક આ માર્કેટ લોકો માટે ખુલ્લી મૂકવામાં આવે તે માટે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી. આઇકોનિક રોડ યોજના હેઠળ ચલાલા બસ સ્ટેન્ડથી અમરેલી રોડના નવીનીકરણના કામમાં ભીંતચિત્રો, વૃક્ષારોપણ, ડસ્ટ બિન, સાઈન બોર્ડ, સ્ટ્રીટલાઇટ, હાઈમાસ્ટ લાઇટ, સીસીટીવી કેમેરા વગેરે કામોનું આયોજન કરવામાં આવેલ છે, આ કામ સમયમર્યાદામાં પૂર્ણ કરવા અને ગુણવત્તાયુક્ત કરવા જણાવ્યું. ત્યારબાદ છતડીયા ગામની નજીક આવેલ પીવાના પાણીના શુધ્ધિકરણ માટેના પ્લાન્ટની મુલાકાત લેવામાં આવી અને શહેરમાં પાણી વિતરણની પધ્ધતિ અંગે ચર્ચા કરવામાં આવી.  અમૃત 2 યોજના અંતર્ગત આ પ્લાન્ટનું રિનોવેશન કરવાનું કામ લેવામાં આવેલ હોઇ ચીફ ઓફિસરશ્રીને આ કામ તાત્કાલિક શરૂ કરવા જણાવ્યું અને આ કામની એજન્સીને પણ કામ શરૂ કરવા સૂચના આપવામાં આવી. શહેરના લોકોને પીવાનું પાણી નિયમિત અને શુધ્ધ મળે તે વહીવટી તંત્રનો મુખ્ય ઉદ્દેશ હોવો જોઈએ તેમ પ્રાદેશિક કમિશનર ધવલ પંડ્યાએ જણાવેલ. વધુમાં શહેરમાં હયાત પાણીનાં નિકાલ માટેની ખુલ્લી ડ્રેઇનની જગ્યાએ ભૂગર્ભ વરસાદી પાણી નિકાલ માટેની પાઇપલાઇનનું આયોજન કરવા જણાવ્યું.

પ્રાદેશિક કમિશનરની આ મુલાકાતથી અટકી વિકાસના કામો વેગ પકડશે, શહેરમાં સ્વચ્છતા જળવાશે અને શહેરમાં હરિયાળો બગીચો બનશે તેવી આશા રાખવામાં આવી રહી છે.

Related Posts