સંબંધો એ માત્ર લોહી કે ઓળખાણની કડી નથી, પણ સ્નેહથી સિંચાયેલું એક નાજુક કાચનું વાસણ છે. સફળતાની આંધળી દોડમાં આપણે એ ભૂલી જઈએ છીએ કે જેને આપણે ‘પોતાના’ માનીએ છીએ, તેમને પણ સતત સમય અને હૂંફની જરૂર હોય છે. આપણે માની લઈએ છીએ કે તેઓ હંમેશા ત્યાં જ રહેશે, પણ લાગણીઓ પણ એક ચોક્કસ સમય પછી મોક્ષ શોધી લેતી હોય છે.
”હજી તો ઘણો સમય છે” –આ ભાવ સૌથી મોટો ભ્રમ સાબિત થઈ શકે છે.
આપણો અહમ અને વ્યસ્તતા આપણને એવા માર્ગ પર લઈ જાય છે જ્યાંથી પાછા ફરવાના રસ્તા તો હોય છે, પણ સામેની વ્યક્તિના હૃદયના દ્વાર કાયમ માટે બંધ થઈ ગયા હોય છે. સંબંધોમાં પડતી નાની તિરાડને જો સમયસર સાંધવામાં ન આવે, તો તે ક્યારે ઊંડી ખાઈ બની જાય છે તેની ખબર પણ નથી રહેતી.
એક પિતા જે દીકરાની પ્રતીક્ષામાં વર્ષો સુધી દરવાજાના તાળામાં તેલ નાખતા રહ્યા, જેથી દીકરાને ઘરમાં પ્રવેશતા જરાય અડચણ ન પડે. પણ અફસોસ, દીકરો ત્યારે આવ્યો જ્યારે પિતાના શ્વાસ અને દરવાજાના મિજાગરા બંને સાથ છોડી ચૂક્યા હતા. યાદ રાખજો, જે સફળતા વહેંચવા માટે અંગત માણસો ન હોય, એ સફળતા કેવળ એક આંકડો છે, બીજું કાંઈ નહીં.
સંબંધોના શ્વાસ જાળવી રાખવા માટેના સંજીવની સૂત્રો
દિવસની માત્ર ૫ મિનિટ પણ જો સાચા મનથી ફાળવવામાં આવે, તો તે સંબંધને કરમાતા અટકાવી શકે છે. કોઈને તમારી વગર જીવવાની આદત પડી જાય, એ સંબંધના અંતની શરૂઆત છે.
માફી માગવાનો અવકાશ પૂરો થાય એ પહેલાં સંબંધમાં તમારી ‘હાજરી’ નોંધાવો.
સંબંધોમાં આશાનો સૂરજ ઉગાડવા માટે માત્ર રાહ જોવી પૂરતી નથી, પણ એ દિશામાં ડગલાં માંડવા અનિવાર્ય છે. તાળામાં કાટ લાગે અને ચાવી નકામી થઈ જાય એ પહેલાં તેને ખોલી નાખવી એ જ સાચું ડહાપણ છે.


















Recent Comments