ભારત સરકારની આરોગ્યલક્ષી ‘પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના’ (PM-JAY) અમરેલી જિલ્લાના સામાન્ય નાગરિકો માટે આર્થિક રાહત અને શ્રેષ્ઠ સારવારનું માધ્યમ બની છે. જિલ્લા વહીવટી તંત્રના સઘન પ્રયાસોને પરિણામે ચાલુ વર્ષ દરમિયાન આરોગ્ય ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે.
‘આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના’ એ વિશ્વની સૌથી મોટી જાહેર આરોગ્ય યોજના અને આરોગ્ય કવચ છે. પાત્રતા ધરાવતા નાગરિકોને આ યોજના અન્વયે રૂ. ૧૦ લાખનું આરોગ્ય કવચ પ્રદાન કરવામાં આવે છે. આયુષ્માન કાર્ડ થકી સામાન્ય નાગરિકો સરળતાથી વિના વિલંબ વિવિધ પ્રકારની આરોગ્ય સારવાર મેળવી શકે છે.
ચાલુ વર્ષે અમરેલી જિલ્લામાં ૧૩,૫૦૦ દર્દીઓ માટે ‘આયુષ્માન કાર્ડ’ સંજીવની બન્યું છે. ‘પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના’ હેઠળ આ તમામ નાગરિકોને કુલ મળીને રૂ. ૧૬.૯૯ કરોડના ખર્ચે નિ:શુલ્ક આરોગ્ય સારવાર આપવામાં આવી છે. જિલ્લામાં વર્ષ ૨૦૨૪-૨૫માં (ચાલુ વર્ષે) કુલ ૫૩,૭૦૨ નવા ‘આયુષ્માન કાર્ડ’નું વિતરણ કરવામાં આવ્યું છે, આમ વંચિત, ગરીબોને આરોગ્ય કવચ સરળતાથી મળ્યું છે.
મોંઘીદાટ આરોગ્ય સારવાર ગરીબ પરિવાર, વંચિતો અને સામાન્ય નાગરિકો માટે પહોંચની બહાર હોય છે. આરોગ્ય ક્ષેત્ર સતત અને અવિરત વિસ્તરી રહ્યું છે. સામાન્યમાં સામાન્ય નાગરિકને સરળતાથી કેશલેસ સારવાર મળે અને સમગ્ર પરિવારને આરોગ્ય કવચનો લાભ મળે તે પ્રકારે ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૮માં ‘પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના’ શરૂ કરવામાં આવી હતી.
જિલ્લાના જે નાગરિકો પાસે હજુ આયુષ્માન કાર્ડ નથી, તેઓ નજીકની સરકારી હોસ્પિટલ અથવા Common Service Center (CSC) પર જઈ જરૂરી દસ્તાવેજો સાથે નોંધણી કરાવી શકે છે. યોજના અંતર્ગત આવતી હોસ્પિટલોની યાદી PMJAY ની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે.


















Recent Comments