સાવરકુંડલા શહેરના વોર્ડ નંબર પાંચમાં આવતા વિવિધ રહેણાંક વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી ગટર ચોક-અપ થવાની વિકટ સમસ્યા સર્જાઈ હતી. લુહાર સોસાયટી પાસે આવેલી મુખ્ય ગટર લાઈનમાં મોટું ભંગાણ પડવાને કારણે ગંદા પાણી રસ્તાઓ પર વહેવા લાગ્યા હતા, જેના કારણે સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. જોકે, નગરપાલિકાના સક્રિય સભ્યો અને તંત્રની ત્વરિત કામગીરીને કારણે આ પ્રશ્ન હવે હલ થયો છે.
વોર્ડ નંબર પાંચમાં આવેલી શિવ શક્તિ સોસાયટી, ચંદ્રમૌલિ સોસાયટી, ગણેશવાડી અને સહજાનંદ સોસાયટી જેવા વિસ્તારોમાં ગટરના પાણી રસ્તા પર ફરી વળ્યા હોવાની જાણ વોર્ડના કાઉન્સિલર અશોકભાઈ ખુમાણ તથા નગરપાલિકા સદસ્ય પતિ કરશનભાઈ આલને થઈ હતી. તેમણે પરિસ્થિતિની ગંભીરતા સમજી તુરંત જ નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી તથા ચીફ ઓફિસર સમક્ષ રજૂઆત કરી હતી. જેના ફળસ્વરૂપે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવાના આદેશો આપવામાં આવ્યા હતા.
લુહાર સોસાયટી પાસે મેઈન ગટર લાઈન લગભગ ૨૫ ફૂટ જેટલી ઉંડાઈએ આવેલી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ પાઈપલાઈન તૂટી ગઈ હોવાથી આખા વિસ્તારમાં ગટરના પાણી બેક મારતા હતા.
તૂટેલા જૂના પાઈપ કાઢીને નવા મજબૂત પાઈપ નાખવામાં આવ્યા. કાઉન્સિલર અશોકભાઈ ખુમાણ અને કરશનભાઈ આલે સ્થળ પર હાજર રહીને સતત જહેમત ઉઠાવી કામગીરી પૂર્ણ કરાવી હતી. ગટરની લાઈન કાર્યરત થયા બાદ હવે જે ભાગમાં રોડ ખોદવામાં આવ્યો હતો, ત્યાં ફરીથી સિમેન્ટ વર્ક (સીસી રોડ) કરીને સમારકામ કરવાની ખાતરી આપવામાં આવી છે.
ગટરનો ગંભીર પ્રશ્ન ઉકેલાતા સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. લોકોની મુશ્કેલીને સમજીને ત્વરિત નિરાકરણ લાવવા બદલ નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, ચીફ ઓફિસર તેમજ વોર્ડના સદસ્ય અશોકભાઈ ખુમાણ અને કરશનભાઈ આલની કામગીરીને સમગ્ર વિસ્તારમાં બિરદાવવામાં આવી રહી છે.


















Recent Comments