ગુજરાત

વડોદરાના સમા તળાવ પાસે રીક્ષા પર બિલ્ડીંગનું સ્ટ્રક્ચર પડતાં રીક્ષાચાલકનું મોત 

રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદ આફત બની વરસી રહ્યો છે. વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા મીની વાવાઝોડાની સ્થિતિ સર્જાઇ હતી. જેના લીધે અનેક જગ્યા વૃક્ષો અને હોર્ડિંગ્સ ધરાશાયી થયાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે વડોદરાના સમા તળાવ પાસે રીક્ષા પર બિલ્ડીંગનું સ્ટ્રક્ચર પડતાં રીક્ષાચાલકનું મોત નીપજ્યું છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના સમા વિસ્તારમાં રીક્ષા પર બિલ્ડીંગ પર કાચનું સ્ટ્રક્ચર પડતાં રીક્ષાના બે ટુકડા થઇ ગયા હતા અને રીક્ષા ચાલકનું કરૂણ મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. 

તો બીજી તરફ અરવલ્લી જિલ્લામાં આજે કમોસમી વરસાદે દસ્તક આપી હતી, આ દરમિયાન બાયડ રેલવે ફાટક નજીક ભારે પવનના કારણે વૃક્ષ ધરાશાયી થતા વૃદ્ધનું મૃત્યુ નીપજ્યું હતું. 

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 4 દિવસ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. રાજ્ય સરકારે લોકોને બિનજરૂરી પ્રવાસ ટાળવા અને સલામત સ્થળે રહેવા માટે અપીલ કરી છે. આ ઉપરાંત ખેડૂતોને તકેદારી રાખવા માટે માર્ગદર્શિકા બહાર પડાઇ છે. ખેતરમાં પડેલો પાક ન પલળે તે માટે સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી છે.

Related Posts