બગસરામાં NEET-UG મેડિકલ/ડેન્ટલ કાઉન્સેલિંગ ૨૦૨૪ દ્વારા MBBS માં એડમિશન અપાવવાના બહાને એક વ્યક્તિએ ફરિયાદી સાથે રૂ.૫,૨૩,૦૦૦ ની મોટી ઠગાઈ આચરી હોવાનો બનાવ સામે આવ્યો હતો. આ મામલે હાલ કચ્છના મુન્દ્રામાં રહેતા અને મૂળ બગસરાના હિતેષભાઈ મનસુખલાલ દવે (ઉ.વ.૫૦)એ રાજસ્થાના ઉદયપુરના કેતનભાઈ કિરીટભાઈ ગોવિંદીયા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, આરોપીએ ફરિયાદીનો સંપર્ક સાધીને તેમના ભત્રીજા ભૂગુનું રાજસ્થાનની મેડિકલ કોલેજમાં MBBS માં એડમિશન અપાવી દેવાનું આશ્વાસન આપ્યું હતું. આરોપીએ NEET UG મેડિકલ/ડેન્ટલ કાઉન્સેલિંગ ૨૦૨૪ (MBBS/BDS STATE OF RAJA) માં એડમિશન કન્ફર્મ કરાવવાના બહાને ફરિયાદી પાસેથી કુલ રૂ.૫,૨૩,૦૦૦ની રકમની માંગણી કરી હતી. ફરિયાદીએ આરોપીની વાત પર વિશ્વાસ કરીને, આ રકમ ગુગલ પે મારફતે આરોપીના અલગ-અલગ બેંક ખાતાઓમાં જમા કરાવી દીધી હતી.જોકે, ફરિયાદી પાસેથી સંપૂર્ણ રકમ મેળવ્યા બાદ પણ આરોપીએ તેમના ભત્રીજાનું મેડિકલ કોલેજમાં એડમિશન કરાવ્યું નહોતું. જ્યારે ફરિયાદીએ આ અંગે પૂછપરછ કરી અને પોતાના પૈસા પાછા માગ્યા, ત્યારે આરોપીએ પૈસા પરત આપવાનો પણ ઇનકાર કરી દીધો હતો. પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરવા માટે કાર્યવાહી શરૂ કરી છે.
NEETમાં એડમિશનના બહાને રૂ.૫.૨૩ લાખની ઠગાઈઃ ઉદ્યોગ સાહસિક વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ


















Recent Comments