ગુજરાત

ગોવામાં રહી ગુજરાતમાં દારૃનું નેટવર્ક ચલાવતો બિશ્નોઇ ગેંગના મુખ્ય સાગરીત ઝડપાયો

વડોદરાના ૧.૨૧કરોડના વિદેશી દારૃના ત્રણ કેસમાં સંડોવાયેલા બિશ્નોઇ ગેંગના સાગરીતને પીસીબી પોલીસે ગોવા ખાતે વેશપલટો કરીને ઝડપી પાડયો છે. આરોપી છેલ્લા ઘણા સમયથી નાસતો ફરતો હતો. ગુનાની વધુ તપાસ માટે પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. શહેરના માંજલપુર, મકરપુરા અને હરણી પોલીસ સ્ટેશનમાંથી પકડાયેલા ૧.૨૧ કરોડના વિદેશી દારૃના કેસમાં બિશ્નોઇ ગેંગની સંડોવણી ખૂલી હતી.

અમદાવાદ જિલ્લાના અસલાલી, હાલોલ રૃરલ, વલસાડ ભીલાડ પોલીસ સ્ટેશન ખાતે દારૃ સપ્લાય કરનાર બિશ્નોઇ ગેંગના મુખ્ય સાગરીત પૈકીનો એક આરોપી સુરેશ કેશારામ બિશ્નોઇને પકડવાનો બાકી હતો. વડોદરા ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાના ગુનાઓમાં પણ આરોપી વોન્ટેડ હતો. પોલીસ કમિશનર નરસિમ્હા કોમારની સૂચના મુજબ, પીસીબી પી.આઇ. સી.બી. ટંડેલ દ્વારા સ્ટાફને આરોપી સુરેશ બિશ્નોઇને પકડવા માટે સૂચના આપી હતી. ટેકનિકલ અને હ્યુમન સોર્સિસના આધારે પોલીસને માહિતી મળી હતી કે, આરોપી સુરેશ ગોવા ખાતે રહી પ્રોહિબીશનનું નેવટર્ક ચલાવે છે. જેથી, પીસીબીની એક ટીમ સુરેશને પકડવા માટે ગોવા પહોંચી હતી. પોલીસે ગોવામાં મકાન ભાડે લઇ ત્રણ દિવસ સુધી વેશપલટો કરીને આરોપીની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન આરોપી સુરેશ ઉર્ફે સુનિલ ક્રિષ્ણારામ બિશ્નોઇ પકડાઇ જતા પોલીસ તેને વડોદરા લઇ આવી હતી. માંજલપુર પોલીસ સ્ટેશનના ગુનામાં તેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી પોલીસે બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

Follow Me:

Related Posts