સંસ્કૃતભારત નિર્માણમ્ સમર્થભારત સોપાનમ્ એ લક્ષ્ય સાથે સંસ્કૃતભારતી સંસ્થા સમગ્ર વિશ્વના 28 દેશોની સાથે સાથે ભારતમાં અને એમાં પણ ગુજરાતના પ્રત્યેક જિલ્લામાં વિવિધ આયામો સાથે કાર્ય કરી રહી છે. એમાંના એક આયામ એટલે વિદ્યાલયીનકાર્યની અંતર્ગત સરલ સંસ્કૃત પરીક્ષાઓ યોજાય છે. જેમાં ગુજરાત રાજ્યમાં સંસ્કૃતભારતી ગુજરાત પ્રેરિત સંસ્કૃત ગૌરવ પરીક્ષા સમિતિ દ્વારા આયોજિત સંસ્કૃત ગૌરવ પરીક્ષા છેલ્લા કેટલાક વર્ષોથી લેવામાં આવી રહી છે.
જેમાં આ વર્ષે ૬૫૬ કેન્દ્રો પરથી ૬૬,૮૭૫ છાત્રો આ સંસ્કૃત ગૌરવ પરીક્ષા આપશે. આટલી મોટી સંખ્યામાં સંસ્કૃત પરીક્ષા લોકો આપી રહ્યા છે તે એ વાત તરફ ધ્યાન દોરી રહી છે કે લોકોમાં સંસ્કૃત પ્રત્યેની જે રુચિ હતી એ એક મંચ પર આવી રહી છે. આ પરીક્ષાની વિશેષતા એ છે કે જેમાં ક્રમશઃ સંસ્કૃત સંભાષણના સોપાનો સર કરતા કરતા પરીક્ષાર્થી સંસ્કૃત સંભાષણ કરતા થઈ શકે એ રીતે એના અભ્યાસક્રમો ચાર પરીક્ષામાં પ્રવેશિકા, પ્રદીપિકા, પ્રમોદિકા અને પ્રવાહીકા એ વિભાગોમાં વિભાજીત થયેલા છે. આ પુસ્તકોની રચના એ પ્રમાણે કરવામાં આવી છે કે વિદ્યાલયના બાળકો એના પ્રત્યે સહજતાથી આકર્ષાય છે. વિદ્યાલયની સાથે સાથે સામાજિક લોકો પણ આ પરીક્ષા આપી શકતા હોવાથી વ્યક્તિગત પરીક્ષાર્થીઓની સંખ્યા પણ દિવસે દિવસે વધતી જ જઈ રહી છે. આ પરીક્ષાના પંજીકરણ સામાન્ય રીતે જૂન માસથી પ્રારંભ થતા હોય છે ડિસેમ્બર માસમાં એની પરીક્ષા યોજાતી હોય છે. વસંત પંચમીએ પરિણામ જાહેર કરવામાં આવે છે. સામાન્ય જન સંસ્કૃતના ભવ્ય ભૂતકાળને જાણી સાંસ્કૃતિક પુનરુત્થાન માટે સંસ્કૃત ભાષાની સરળતા અને મધુરતાથી પરિચિત થાય એ માટે સમગ્ર આયામ સંપૂર્ણ વર્ષ દરમિયાન આ ગૌરવ પરીક્ષાને લગતા કાર્યમાં જોડાયેલું રહે છે.
આ વર્ષે ગુજરાતના પાંસઠ ટકાથી વધારે તાલુકામાં આ પરીક્ષાના કેન્દ્રો આપવામાં આવ્યા છે. આ પરીક્ષાના ચારે સોપાનો પૂર્ણ કર્યા બાદ છાત્રોને પત્રાચાર દ્વારા સંસ્કૃત યોજનામાં જોડાવા માટે પ્રોત્સાહન પણ આપવામાં આવે છે. પુસ્તકની સાથે સાથે પરીક્ષાની આગોતરી તૈયારી કરવા માટે સંસ્કૃત ગૌરવ પરીક્ષાના એપ્લિકેશનમાં જ ક્વેશ્ચન બેંક આપવામાં આવે છે જેના દ્વારા વિદ્યાર્થીઓ પ્રત્યેક પરીક્ષાની પ્રશ્નબેંક રમતના માધ્યમે ઉપયોગ કરી પોતાના જ્ઞાનની ચકાસણી અને વૃદ્ધિ કરતા હોય છે. જેના કારણે ક્રમશઃ વિદ્યાર્થીઓની સંખ્યા અને સંસ્કૃત ગૌરવ પરીક્ષા માટેનો તેમનો પ્રેમ વધતો જ જઈ રહ્યો હોવાથી પ્રતિવર્ષ વિદ્યાર્થીઓ પરીક્ષાની પ્રતીક્ષા કરતા હોય એવા સમાચાર કેન્દ્ર સંયોજકો પાસેથી સમિતિને મળતા રહે છે. જેથી આ સંસ્કૃત ગૌરવ પરીક્ષા વાસ્તવમાં પરીક્ષા ઉત્સવ બનતો જા રહ્યો હોય એવું લાગી રહ્યું છે.
૬ ડિસેમ્બરે સમગ્ર ગુજરાતમાં લેવાશે સંસ્કૃત ગૌરવ પરીક્ષા



















Recent Comments