અમરેલી જિલ્લામાં સંસ્કૃત સપ્તાહ અંતર્ગત ચલાલા ખાતે સંસ્કૃત ગૌરવ યાત્રા અને અમરેલી ખાતે સંસ્કૃત સાહિત્ય સભા યોજાઈ હતી. આ ઉપરાંત જિલ્લાની પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાઓમાં સંસ્કૃત સંભારણા દિવસ અંતર્ગત પ્રાર્થના સભા સંસ્કૃતમાં રાખવામાં આવી હતી.
શિક્ષણ વિભાગ અને ગુજરાત સંસ્કૃત બોર્ડ ગાંધીનગરની સૂચના અનુસાર અમરેલી જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા સંસ્કૃત સપ્તાહ અંતર્ગત ત્રિ દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં તા.૦૬-૦૮-૨૦૨૫ના રોજ સંસ્કૃત ગૌરવ યાત્રા, તા.૦૭-૦૮-૨૦૨૫ના રોજ જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળા કક્ષાએ સંસ્કૃતમાં પ્રાર્થના સભાની સાથે શ્લોક ગ્રંથ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી. આ સાથે તા.૦૮-૦૮-૨૦૨૫ના રોજ દીપક હાઇસ્કુલ ખાતે સંસ્કૃત વિષયના સંવર્ધન માટે સંસ્કૃત પ્રદર્શન અને સંસ્કૃત સાહિત્ય સભા યોજાઈ હતી.
ચલાલા સંસ્કૃત શક્તિ ગુરુકુળના યજમાનપદ હેઠળ સંસ્કૃત ગૌરવ યાત્રાનું ભીમનાથ મહાદેવ ખાતેથી શરુઆત કરવામાં આવી હતી. આ ગૌરવયાત્રાને ગાયત્રી મંદિરના મહંત શ્રી રતિદાદા, નગરપાલિકાના પ્રમુખ શ્રી વાળાભાઈએ અને જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ગોહિલ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી.
આ ગૌરવ યાત્રા ચલાલા ગામમાંથી ફરી હતી. આ યાત્રામાં સંસ્કૃત શક્તિ ગુરુકુળ, ગાયત્રી પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ, હરિબા મહિલા કોલેજની વિદ્યાર્થીનિઓ, ગ્રામજનો, સંતો અને રક્ષા શક્તિ સ્કૂલની વિદ્યાર્થીનિઓ જોડાઇ હતી. આ કાર્યક્રમમાં લગભગ ૫૦૦થી વધુ બાળકો અને ૨૦ થી ૨૫ ગ્રામજનો અને ૫૦ ગાયત્રી પરિવારના શિક્ષકો જોડાયા હતા.
બીજા દિવસના કાર્યક્રમમાં, અમરેલી જિલ્લાની તમામ પ્રાથમિક શાળા અને તમામ માધ્યમિક શાળાઓમાં સંસ્કૃત સંભારણા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો. આ દિવસ દરમિયાન તમામ શાળાઓમાં પ્રાર્થના સભા સંસ્કૃતમાં યોજવામાં આવી હતી અને આ પ્રાર્થના સભામાં શ્લોક ગાન, પ્રાર્થના, સુભાષિતો વગેરે સંસ્કૃતમાં રજૂ કરવામાં આવ્યાં હતા.
ત્રીજા દિવસના કાર્યક્રમમાં, સંસ્કૃત સાહિત્ય સભાનું આયોજન અમરેલી દીપક હાઇસ્કુલ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી કુલપતિના અધ્યક્ષ સ્થાને સાહિત્ય સભા યોજાઈ હતી. જેમાં અમરેલી જિલ્લાના લગભગ ૧૫૦ જેટલા સંસ્કૃત રસિક શિક્ષકો આચાર્યો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments