અમરેલી ખાતે સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષા ‘ઉમંગ ઉત્સવ’સ્પર્ધા યોજાઇઃ દિવ્યાંગ કલાકારોએ કૌશલ્ય દર્શાવ્યું
રાજ્ય સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર અને કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગરના ઉપક્રમે અમરેલી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરી દ્વારા આયોજિત સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાની ઉમંગ ઉત્સવ સ્પર્ધા અમરેલી ખાતે સંપન્ન થઇ હતી.અમરેલી સ્થિત લાઠી રોડ ખાતેના ગજેરા કેમ્પસનાં સહયોગથી યોજાયેલ આ સ્પર્ધામાં સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાનાં દિવ્યાંગ કલાકારોએ વિવિધ કૃતિઓમાં પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યુ હતું.
રાસ સ્પર્ધામાં પ્રથમ ક્રમે જૂનાગઢ મંગલમૂર્તિ વિકલાંગ ટ્રસ્ટ તથા લોકનૃત્ય સ્પર્ધામાં પ્રથમ ક્રમે ભાવનગર અંકુર શાળા અને સમૂહ ગીત સ્પર્ધામાં થોરડી નિવાસી અંધ વિદ્યાલયે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો.આ પ્રસંગે અમરેલી જિલ્લા શિક્ષણાધિકારીશ્રી મનોહરસિંહ ગોહિલ, અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી કે.વી.મિયાણી, અમરેલી જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી વી.બી.પરમાર, સંસ્થાના ટ્રસ્ટી શ્રી ચતુરભાઈ ખૂંટ, કેમ્પસ ડાયરેક્ટર શ્રી વસંતભાઈ પેથાણી, રાજ્ય આચાર્ય સંઘના મંત્રીશ્રી સી.પી. ગોંડલીયા સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી તમામ કલાકારોને પ્રેરણા આપી બિરાદાવ્યા હતા.કલાકારોને સ્મૃતિ ભેટમાં વોટર બોટલ તથા સ્કૂલ બેગ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ વિજેતા કલાકારો રાજ્ય કક્ષાની ઉમંગ ઉત્સવ સ્પર્ધામાં જૂનાગઢ ખાતે ભાગ લેશે, તેમ અમરેલી જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
Recent Comments