અમરેલી

સિંહ સંરક્ષણ માટે સાવરકુંડલા થયું સજ્જ વિશ્વ સિંહ દિવસની ઉજવણીનું આયોજન

આગામી ૧૦ ઓગસ્ટ, ૨૦૨૫ રવિવાર ના રોજ ઉજવાનાર વિશ્વ સિંહ દિવસની ભવ્ય અને યાદગાર ઉજવણી કરવા માટે સાવરકુંડલા નોર્મલ રેન્જ કચેરી ખાતે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક સાવરકુંડલાના રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) પી.એન. ચાંદુ ના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી.આ બેઠકમાં સિંહ સંરક્ષણ અને જાગૃતિ અંગેના વિવિધ કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવા માટે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જે.કે. સરવૈયા, બીઆરસી કો-ઓર્ડિનેટર તુષારભાઈ જાની અને કો-ઓર્ડિનેટર સતીશ પાંડે ઉપસ્થિત રહ્યા હતા.

આગામી વિશ્વ સિંહ દિવસની ઉજવણીમાં શાળાના બાળકો, સ્થાનિક સમુદાય અને વન વિભાગના કર્મચારીઓ સક્રિયપણે ભાગ લે તે માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રવૃત્તિઓનો મુખ્ય હેતુ સિંહ સંરક્ષણ નું મહત્વ સમજાવવાનો અને લોકોમાં સિંહ પ્રત્યેની જાગૃતિ વધારવાનો છે. આ ઉજવણીમાં સિંહ સંરક્ષણ, તેના નિવાસ સ્થાનનું મહત્વ અને માનવ-સિંહ સંઘર્ષ ઘટાડવાના ઉપાયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓએ સર્વસંમતિથી નક્કી કર્યું કે વિશ્વ સિંહ દિવસની ઉજવણી માત્ર એક દિવસ પૂરતી સીમિત ન રહે, પરંતુ સિંહ સંરક્ષણ માટે સતત પ્રયાસો થતા રહે તે માટે સમાજમાં એક સકારાત્મક સંદેશો પહોંચાડવામાં આવે. આ બેઠકના અંતે, RFO પી.એન. ચાંદુએ તમામ ઉપસ્થિત અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને આશા વ્યક્ત કરી હતી કે સૌના સહકારથી વિશ્વ સિંહ દિવસની ઉજવણી સફળતાપૂર્વક પૂર્ણ થશે. તેમ પત્રકાર યશપાલ વ્યાસ ની યાદીમાં જણાવેલ છે.

Related Posts