સમગ્ર દેશમાં પ્રકાશ અને ઉલ્લાસના પર્વ દિવાળીની ઉજવણી કરવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે નાવલી નદીના બંને કાંઠે વસેલું સાવરકુંડલા શહેર જાણે ઉત્સવમય બન્યું હોય તેવું વાતાવરણ જોવા મળે છે એક નવોઢાની માફક સોળે શણગાર સજીને સાવરકુંડલા શહેરના વિવિધ વિસ્તારોમાં લાઇટિંગનું ભવ્ય સુશોભન કરવામાં આવ્યું છે, જે સમગ્ર નગરને આકર્ષણનું કેન્દ્ર બનતું જોવા મળે છે.
આમ તો સાવરકુંડલાની વાત કરીએ તો આ શહેર તેના ઉત્સવપ્રિય સ્વભાવ અને વર્ષો જૂની પરંપરાઓ માટે સમગ્ર ભારતવર્ષમાં જાણીતું છે. આ જ પરંપરાઓને ફરીથી જીવંત કરવા અને ઉત્સવની ભાવનાને દ્રઢ કરવાના ભાગરૂપે સાવરકુંડલા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, નગરપાલિકા તેમજ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે ‘નાવલી ઉત્સવ’ અંતર્ગત ત્રિવિધ કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ગુજરાતના ખ્યાતનામ કલાકારો રાજ ગઢવી, અપેક્ષા પંડ્યા અને કિશન રાદડિયા આ ભવ્ય લોક ડાયરા દ્વારા સાવરકુંડલા શહેરની જનતાને ભાતીગળ સંસ્કૃતિના ગીતો અને લોકગીતો દ્વારા ડોલાવશે.આ ઉપરાંત આકર્ષક આતિશબાજીનો કાર્યક્રમ, ઈંગોરિયાની લડાઈ (ઈંગોરિયા યુદ્ધ) જેવી સાવરકુંડલાની વર્ષો જૂની પરંપરાગત ઈંગોરિયા રમતનું આયોજન પણ કરવામાં આવેલ છે.
આ અંગે સાવરકુંડલા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ જણાવ્યું હતું કે, “નાવલી નદીના બંને કાંઠે વસેલું આપણું સાવરકુંડલા ઉત્સવપ્રિય શહેર છે. વર્ષો જૂની પરંપરાઓને ફરીથી જીવંત કરવાનો સંકલ્પ છે. દિવાળી એ માત્ર એક તહેવાર નથી, પરંતુ આપણી સંસ્કૃતિ, અસ્મિતા અને પરંપરાઓનું પ્રતીક છે.” તેમણે ઉમેર્યું હતું કે, સાવરકુંડલા નગરપાલિકા અને વહીવટી તંત્રના સહયોગથી આ ભવ્ય આયોજન શક્ય બન્યું છે, જે નગરજનોને એકતા અને ઉલ્લાસની ભાવના સાથે જોડે છે.શહેરના અનેક જાહેર સ્થળો, બજારો અને ચોકોને ઝળહળતી એલઈડી લાઇટ્સ અને ડેકોરેટિવથી શણગારવામાં આવ્યા છે. આ લાઇટિંગ ડેકોરેશન રાત્રિ દરમિયાન નગરજનો માટે એક મોટું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, જેણે સમગ્ર શહેરના વાતાવરણમાં એક નવી ચેતનાનો સંચાર કર્યો છે.


















Recent Comments