અમરેલી

સાવરકુંડલા: જનહિતની અવગણના કરનાર નિવૃત્ત મામલતદારને RTI નો ‘ફટકો’, રૂપિયા ૨૧,૨૫૦નો દંડ

છુપાવો સત્ય ભલેને 

તમે કાગળના પોટલામાં,

ખુલે છે ભેદ જ્યારે, 

ત્યારે ખુદ ‘ખિસ્સા’ રડે છે.

​હશે હોદ્દો ભલે મોટો કે 

હોય સત્તાની હકુમત ,

અદાલત લોકની જાગે, 

ત્યારે ‘હિસાબ દેવા પડે છે.

–“પાંધી સર”

સાવરકુંડલાના દેવળાગેઈટ વિસ્તારમાં દિવાળી દરમિયાન રમાતી જીવલેણ ‘ઇંગોરીયા’ રમતો રોકવામાં નિષ્ફળ રહેલા અને ત્યારબાદ માહિતી આપવામાં આનાકાની કરનાર તંત્ર સામે કાયદાનો સકંજો કસાયો છે. માહિતી અધિકારના કાયદા હેઠળ જાગૃત નાગરિક અને RTI કાર્યકર દીપેશ સી. જોશીની લડતનો વિજય થયો છે. ગુજરાત માહિતી આયોગે તત્કાલીન મામલતદાર જે. એન. પંડ્યાને ૨૧,૨૫૦ રૂપિયાનો દંડ ફટકારી સરકારી અધિકારીઓને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે પ્રજાના હિત અને કાયદા સાથે રમત કરનારને બક્ષવામાં આવશે નહીં.

દેવળાગેઈટ વિસ્તારમાં જોખમી ફટાકડા અને ઈંગોરીયાને કારણે ભયનું વાતાવરણ સર્જાતું હતું. ૮૦ જેટલા રહીશોની લેખિત રજૂઆત છતાં તંત્ર ઘોર નિદ્રામાં રહ્યું હતું. જ્યારે આ અંગેની વિગતો RTI હેઠળ માંગવામાં આવી, ત્યારે રજાઓ અને અન્ય કામગીરીના બહાના હેઠળ માહિતી છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

માહિતી કમિશનર વિપુલ રાવલે તંત્રના પોકળ બહાનાઓને ફગાવી દીધા હતા. આયોગે નોંધ્યું કે જાહેર સલામતી જેવા મુદ્દે ૩૦ દિવસમાં માહિતી ન આપવી એ કાયદાનો ભંગ છે. દંડની આ રકમ નિવૃત્ત અધિકારીએ પોતાના અંગત ખિસ્સામાંથી ભરવી પડશે, જે વહીવટી જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે.

Related Posts