છેલ્લા બે દાયકાની
સરખામણીએ છેલ્લા બે વર્ષમાં સાવરકુંડલા શહેર શહેરીકરણના એક નવા જ યુગમાં પ્રવેશી રહ્યું છે. સ્થાનિક ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના માર્ગદર્શન હેઠળ અને નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી તથા તેમની ટીમ દ્વારા હાથ ધરાયેલા વિકાસકાર્યોને કારણે સાવરકુંડલા હવે માત્ર એક નગર નહીં, પણ એક આધુનિક શહેર તરીકે ઉભરી રહ્યું છે.
શહેરના આધુનિકીકરણ માટે અનેક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ પર અત્યારે યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે: શહેરની શોભા વધારવા માટે અટલ સરોવર અને રિવરફ્રન્ટનું નિર્માણ થઈ રહ્યું છે. આ ઉપરાંત, નાવલી નદીને પુનર્જીવિત કરવા માટે ૧૦ કિમી દૂરથી નર્મદાની પાઈપલાઈન દ્વારા પાણી પહોંચાડવાનું ભગીરથ કાર્ય પૂર્ણતાના આરે છે.
ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે નવો બાયપાસ રોડ અને અમરેલી-મહુવા રોડ પર રેલવે ઓવરબ્રિજનું નિર્માણ થઈ રહ્યું છે. શહેરની મધ્યમાંથી પસાર થતા માર્ગને ‘આઈકોનિક રોડ’ તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે. સાવરકુંડલાને અત્યાધુનિક રેલવે સ્ટેશનની ભેટ મળી છે. સાથે જ રેલવેના પાટાની બંને બાજુના વિસ્તારોને જોડવા માટે ફૂટ ઓવરબ્રિજની સુવિધા પણ ઉપલબ્ધ કરાવાઈ છે. યુવાનો માટે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ અને સાંસ્કૃતિક કાર્યક્રમો માટે ભવ્ય ઓડિટોરિયમનું નિર્માણ શહેરના સામાજિક જીવનને વેગ આપશે. ઉદ્યોગોને વેગ આપવા માટે સ્માર્ટ GIDCનું આયોજન કરવામાં આવ્યું છે, જે સ્થાનિક રોજગારી માટે આશીર્વાદરૂપ સાબિત થશે.આ વિકાસયાત્રા પાછળ ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના વિઝન સાથે સાંસદ ભરતભાઈ સુતરીયા અને નગરપાલિકા તંત્રનો સુમેળભર્યો સહયોગ રહેલો છે. વહીવટી તંત્રના મતે, આગામી પાંચ વર્ષમાં જ્યારે આ તમામ પ્રોજેક્ટ્સ પૂર્ણ થશે, ત્યારે સાવરકુંડલા ગુજરાતના નકશા પર એક મોડેલ ટાઉન તરીકે સ્થાપિત થશે.
સ્થાનિક રહીશોમાં પણ આ અવિરત ચાલી રહેલા વિકાસકામોને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાવરકુંડલા હવે તેના જૂના મિજાજ સાથે આધુનિક સુવિધાઓ સજ્જ ‘સુવર્ણ કુંડલા’ બનવા તરફ તેજ ગતિએ આગળ વધી રહ્યું છે.


















Recent Comments