મકરસંક્રાંતિના પર્વ બાદ આકાશમાં ઉડતા પક્ષીઓ માટે જીવલેણ સાબિત થતા પતંગના દોરાના નિકાલ માટે સાવરકુંડલામાં એક પ્રશંસનીય અને અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. શહેરની હોમગાર્ડ ઓફિસ સામે આવેલ એરટેલ સ્ટોર અને તાત્કાલિક હનુમાનજી ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે પક્ષીઓના રક્ષણ માટે “પક્ષી બચાવો, જીવદયા કમાવો” અભિયાન હાથ ધરાયું છે.
સામાન્ય રીતે ઉત્તરાયણ પછી શેરીઓ, ગલીઓ અને જાહેર રસ્તાઓ પર કપાયેલા પતંગની દોરીઓના ગૂંચળા જોવા મળે છે. આ ગૂંચવાયેલી દોરીઓ આકાશમાં વિહાર કરતા ગગનવિહારી પક્ષીઓના પાંખ કે ગળામાં ફસાવાથી તેમના માટે પ્રાણઘાતક સાબિત થાય છે. લોકોમાં આ અંગે જાગૃતિ લાવવા માટે આયોજકો દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, જે કોઈ નાગરિક રસ્તા પરથી આવા દોરીના ગૂંચળા એકઠા કરીને જમા કરાવશે, તેમને પ્રોત્સાહન રૂપે રૂપિયા ૫૦ થી લઈને ૫૦૦ સુધીની ભેટ પુરસ્કાર આપવામાં આવશે.
આ અભિયાન અંગે વિગતો આપતા પ્રિયંકભાઈ પાંધી અને સતીશભાઈ પાંડેએ જણાવ્યું હતું કે, આ સ્કીમ આગામી ૨૦ જાન્યુઆરી સુધી ચાલુ રહેશે. પક્ષી જગતને સંકટમાંથી ઉગારવા માટે લેવાયેલા આ નિર્ણયને સાવરકુંડલાના બુદ્ધિજીવીઓ અને જીવદયા પ્રેમીઓ વધાવી રહ્યા છે.
જેવી રીતે રસ્તા પર પડેલા પથ્થરને ઠોકર મારવાને બદલે તેને હટાવવો એ જ સાચું સૌજન્ય છે, તેવી જ રીતે રસ્તા પર પડેલા દોરાના ગૂંચળાને ઉપાડી તેનો યોગ્ય નિકાલ કરવો એ પશુ-પક્ષીઓ પ્રત્યેની કરુણા છે. સાવરકુંડલા શહેરમાં શરૂ થયેલી આ પ્રવૃત્તિની સર્વત્ર ભારે પ્રશંસા થઈ રહી છે.

















Recent Comments