ભાવનગર

સવિશેષ’, ‘વિશેષ’ અને ‘શેષ’નું સન્માન અન્યો કરે છે, ‘નિઃશેષ’નું સન્માન પરમાત્મા – મોરારિબાપુ

ભાવનગરની શિશુવિહાર સંસ્થામાં નાગરિક અભિવાદન સાથે વિવિધ ઉપક્રમો યોજાયાં આ પ્રસંગે શ્રી મોરારિબાપુએ ‘સવિશેષ’, ‘વિશેષ’ અને ‘શેષ’નું સન્માન અન્યો કરે છે, ‘નિઃશેષ’નું સન્માન પરમાત્મા કરે છે, તેમ ઉદ્બોધન કર્યું.

ગોહિલવાડની સુપ્રસિધ્ધ સામાજિક કેળવણી સંસ્થા શિશુવિહારમાં શ્રી મોરારિબાપુના અધ્યક્ષસ્થાને શ્રી માનભાઈ ભટ્ટ નાગરિક સન્માન સમારોહ યોજાઈ ગયો.

વિશિષ્ટ પ્રતિભા સન્માન અર્પણ કરતી વેળાએ શ્રી માનભાઈ ભટ્ટ સ્મૃતિ વ્યાખ્યાન આપતાં શ્રી મોરારિબાપુએ આ પ્રસંગ પંચામૃત જેવો ગણાવી, પાંચ અમૃત દ્રવ્યો સમાન ઉલ્લેખ કરી અહોભાવ વ્યક્ત કર્યો. શ્રી મોરારિબાપુએ ‘સવિશેષ’, ‘વિશેષ’ અને ‘શેષ’નું સન્માન અન્યો કરે છે, ‘નિઃશેષ’નું સન્માન પરમાત્મા કરે છે. આ સંસ્થા દ્વારા સમાજમાંથી વીણી વીણીને કોઈ ભલામણ પત્રો વગર થતી વંદનાને બિરદાવી. શ્રી મોરારિબાપુએ હળવી ટકોર સાથે પ્રારંભે કહ્યું કે, દેવ થવામાં નહીં દેવત્વ પામવાનું વિશેષ મહાત્મ્ય છે. અહીંયા સન્માનિતો દેવત્વ પામનારા પાંચ એટલે પંચામૃત સમાન છે.

આ પ્રસંગે શ્રી મોરારિબાપુએ શ્રી ગાંધીજી, શ્રી વિનોબાજી, શ્રી રવિશંકર મહારાજ, શ્રીમનુભાઈ પંચોળી સાથે શ્રી માનભાઈ ભટ્ટ વગેરેનું સ્મરણ કર્યું અને તેમને રામજી સહિત રામકથાના પાત્રોના સ્મરણ સાથે લોકદર્શન થઈ રહ્યાનો અહોભાવ વ્યક્ત કર્યો.

શ્રી માનભાઈ ભટ્ટ સ્મારક નાગરિક સન્માન પ્રવૃત્તિ વર્ષ ૩૫ અંતર્ગત શ્રી મોરારિબાપુના અધ્યક્ષસ્થાને આ સમારોહમાં પાંચ વિશિષ્ટ પ્રતિભા વ્યક્તિઓ શ્રી મનસુખભાઈ સુવાગિયા, શ્રી જૂઈન દત્તા, શ્રી અતુલભાઈ ઉનાગર, શ્રી મમતાબેન પુરોહિત તથા શ્રી તુલજાશંકર જોષીનાં સન્માન કરવામાં આવ્યાં.

કાર્યક્રમ પ્રારંભે સ્વાગત ઉદ્બોધનમાં સંસ્થાના વડા શ્રી નાનકભાઈ ભટ્ટે આજ સુધીમાં ૧૧૭ જેટલી સન્માનિત વ્યક્તિઓ મૂડી ગણાવી સરદાર પટેલ અને મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીની પ્રસંગ સ્મૃતિનો ઉલ્લેખ કરી જન સહયોગ સાથે મુલ્ય શિક્ષણ માટે શિશુવિહાર કાર્યરત હોવાનું કહ્યું તેમજ શ્રી મોરારિબાપુની મળતી હૂંફનો આનંદ વ્યક્ત કર્યો.

પ્રારંભે શ્રી સ્વાતિબેન પારેખ દ્વારા સુંદર પ્રાર્થના ગાન પ્રસ્તુત થયું.

આ પ્રસંગે શિશુવિહારના શ્રી રાજેન્દ્રભાઈ દવે અને શ્રી ઈંદાબહેન ભટ્ટ દ્વારા શ્રી મોરારિબાપુનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું.

સન્માનિત પ્રતિભાઓ દ્વારા પોતાના અહોભાવ સભર પ્રતિભાવમાં તેઓની પ્રવૃતિનો અણસાર પણ આપવામાં આવ્યો.

શિશુવિહાર સંસ્થા દ્વારા બાળકોએ તૈયાર કરેલાં ચિત્રો દ્વારા ‘વંદે માતરમ્ શતાબ્દી’ અને શ્રમનું ગૌરવ’ વિષય સાથેનું ભાતિગળ તારીખિયું નિર્માણ થયું, તે આ સમારોહમાં વિમોચન વિમોચન અને માર્ગદર્શકો શ્રી અશોકભાઈ પટેલ તથા શ્રી રમેશભાઈ ગોહિલ સાથે આ બાળ ચિત્રકારોનું અભિવાદન થયું.

આ સમારોહ દરમિયાન પ્રથમ શિશુવિહાર સંસ્થાનાં નવા તાલીમ ભવનનું ઉદ્ઘાટન શ્રી મોરારિબાપુના હસ્તે થયું.

વિવિધ ઉપક્રમો સાથેના આ સમારોહ સંચાલનમાં શ્રી છાયાબેન પારેખ રહ્યાં. આ પ્રસંગે શ્રી જયંતભાઈ વાનાણીની વિશેષ ઉપસ્થિતિ રહી. સમારોહમાં શ્રી નલીનભાઈ પંડિત, શ્રી અરુણભાઈ દવે, શ્રી હરિશ્ચંદ્રભાઈ જોષી, શ્રી વિનોદભાઈ જોષી, શ્રી સુભાષભાઈ ભટ્ટ, શ્રી નેહલબેન ગઢવી સહિત મહાનુભાવો જોડાયાં હતાં.

Related Posts