મંડળીના મંત્રી અને સ્ટોરમેને મળીને ૪૩.૬૬ લાખની ઉચાપત કરી, બંનેએ પોતાના સ્વાર્થ માટે સહકારી મંડળીના નાણાંનો ગેરકાયદેસર ઉપયોગ કર્યો. વડનગર તાલુકાના ઉણાદ ગામની દૂધ ઉત્પાદક સેવા સહકારી મંડળીમાં મોટા પાયે ઉચાપતનો ચોંકાવનારો કૌભાંડ સામે આવ્યો છે. મંડળીના મંત્રી અને સ્ટોરમેને પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને લાખો રૂપિયાની રકમ ઉચાપત કરી હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે.
મળતી માહિતી અનુસાર, મંત્રી લવજી ચૌધરીએ રૂ. ૧૮.૯૯ લાખ અને સ્ટોરમેન જેસંગ ચૌધરીએ રૂ. ૨૪.૬૭ લાખ મળીને કુલ રૂ. ૪૩.૬૬ લાખની રકમ ઉચાપત કરી હોવાનું સામે આવ્યું છે. આ બંને કર્મચારીઓએ પોતાના સ્વાર્થ માટે સહકારી મંડળીના નાણાંનો ગેરકાયદેસર ઉપયોગ કર્યો હોવાનો આક્ષેપ છે. આ સમગ્ર મામલે વડનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ સ્થાનિક લોકોમાં ભારે રોષની લાગણી ફેલાવી છે. સહકારી મંડળી પર વિશ્વાસ રાખનારા દૂધ ઉત્પાદકો આ ઘટનાથી ચિંતિત છે. આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે અને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરશે.


















Recent Comments