ગુજરાત

સાયન્સ સિટી ખાતે ગુજકોસ્ટ દ્વારા આયોજિત ભારતની સૌથી મોટી ક્વોન્ટમ વિજ્ઞાન સંચાર પરિષદના દ્વિતીય દિવસે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા ઉપસ્થિત રહ્યા

ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) દ્વારા ગુજરાત સાયન્સ સિટી ખાતે આયોજિત “પબ્લિક અંડરસ્ટેન્ડિંગ ઓન ક્વોન્ટમ સાયન્સ એન્ડ ટેક્નોલોજી” વિષય પર ભારતની સૌથી મોટી બે દિવસીય વિજ્ઞાન સંચાર પરિષદનાં બીજા દિવસે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા ઉપસ્થિત રહ્યા.

ક્વોન્ટમ વિજ્ઞાન અને ટેકનોલોજી વર્ષ 2025 અંતર્ગત આયોજિત કોન્ફરન્સમાં, ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ક્વોન્ટમ ટેકનોલોજીને ભારત માટે ‘સભ્યતાની તક’ ગણાવી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત @2047’ના વિઝનને અનુરૂપ, મંત્રીશ્રીએ જણાવ્યું કે, સુરક્ષિત ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અદ્યતન ઉત્પાદન અને આરોગ્ય ક્ષેત્રે નવીનતા લાવવા માટે ક્વોન્ટમ વિજ્ઞાન એક વ્યૂહાત્મક સ્તંભ સાબિત થશે. તેમણે સ્પષ્ટ કર્યું કે, વિજ્ઞાન અને ટેકનોલોજી એ રાષ્ટ્રના વિકાસ માટેનું ચાલક બળ છે, અને ગુજરાત આ દિશામાં ગ્લોબલ હબ બનવા તરફ અગ્રેસર છે.

મંત્રીશ્રીએ વિજ્ઞાનના લોકશાહીકરણ પર ભાર મૂકતા વધુમાં કહ્યું કે, ગુજરાત સરકાર વિજ્ઞાન કેન્દ્રો અને ગ્રામીણ શાળાઓ દ્વારા ‘ક્વોન્ટમ યુગ’ને સામાન્ય નાગરિકો સુધી પહોંચાડી રહી છે. તેમણે સ્માર્ટ લોજિસ્ટિક્સ, ડિજિટલ ગવર્નન્સ અને પર્યાવરણીય દેખરેખ માટે ક્વોન્ટમ સેન્સર્સના ઉપયોગની પ્રાથમિકતાઓ દર્શાવી હતી. યુવાનોને @2047ના આર્કિટેક્ટ ગણાવતા તેમણે જણાવ્યું કે, રાજ્યની નીતિઓ કૌશલ્ય વિકાસ પર કેન્દ્રિત છે જેથી આધુનિક ટેકનોલોજીમાં રોજગારીની નવી તકો ઉભી કરી શકાય છે. આ પ્રસંગે તેમણે વિજ્ઞાનીઓ અને કેળવણીકારોને સામૂહિક રીતે કામ કરી ટકાઉ ભવિષ્યના નિર્માણ માટે હાકલ કરી હતી.

આજના સત્રમાં મંત્રી શ્રી અર્જુનભાઈ  મોઢવાડિયા અને અન્ય મહાનુભાવો દ્વારા વિદ્યાર્થીઓ અને નિષ્ણાતો સાથે સંવાદ સત્ર યોજાયું હતું. રાજ્યના દરેક જિલ્લા અને છેવાડાના વિસ્તારો સુધી વિજ્ઞાનનો પ્રસાર કરવાના લક્ષ્ય સાથે, આ કાર્યક્રમમાં ક્વોન્ટમ સાયન્સના મહત્વ અને સાયન્સ સિટીના મોડેલને ગ્રામીણ સ્તર સુધી લઈ જવાની ગુજકોસ્ટની કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી.

ગુજરાત સાયન્સ સિટી ખાતે આંતરરાષ્ટ્રીય ક્વોન્ટમ સાયન્સ કોન્ફરન્સના દ્વિતીય દિવસે GUJCOSTનાં એડવાઈઝર ડૉ. નરોત્તમ સાહુ, ગુજરાત સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી વિમલ પટેલ, ગુજકોસ્ટના પ્રિન્સિપલ સાયન્ટિફિક ઓફિસર ડૉ. પૂનમ ભાર્ગવ, બેંગલુરુના પ્રો. એમ. સાઈબાબા, વિયેતનામ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ ઇન્ફોર્મેશનના પ્રો. એન.ટી. લાન, નેપાળ એકેડમી ઓફ સાયન્સ અને ટેક્નોલોજીના પ્રો. અંજના સિંઘ, સોસાયટી ફોર ઇન્ફોર્મેશન સાયન્સના પ્રેસિડેન્ટ ડૉ. મનોજ કુમાર પટેરિયા, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ્ડ સ્ટડીઝ, આમંત્રિત મહેમાનો, વૈજ્ઞાનિકો અને વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts