પુસ્તક વાંચન અને નિબંધ સ્પર્ધામાં કોમર્સ કોલેજ અમરેલીની વિદ્યાર્થીની દ્વારા દ્વિતીય પારિતોષિક મેળવવામાં આવ્યું.

અમરેલી: શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર – સાવરકુંડલા સંસ્થાના પ્રમુખશ્રી હરેશભાઈ મહેતા દ્વારા એક અનોખી નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા શ્રી ગોવિંદભાઈ ધોળકિયાની જીવનયાત્રાની ગુજરાતી આવૃત્તિ “ડાયમંડ્સ આર ફોરએવર, સો આર મોરલ્સ” પુસ્તક વાંચીને તેના પરથી “આ પુસ્તકમાંથી મને શું પ્રેરણા મળી?” એ વિષય પર એક નિબંધ લખવાનો હતો. આ નિબંધ સ્પર્ધામાં અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે. કે. પારેખ કોમર્સ કોલેજમાં એસ.વાય.બી.બી.એ.માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કુ. દિશા પરમાર તથા ટી.વાય.બી.બી.એ.માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કુ. ખુશી પરમાર દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો.
બંને દ્વારા નિબંધ લખીને કોલેજને સબમીટ કરેલ હતો. જેમાંથી કોલેજની એક્સપર્ટ પેનલમાં સમાવિષ્ટ પ્રા. જે. એમ. તળાવીયા, પ્રા. ડો. એ. બી. ગોરવાડીયા તથા પ્રા. ડબલ્યુ. જી. વસાવા દ્વારા નિબંધનો તલસ્પર્શી અભ્યાસ કરીને તેમાંથી કુ. ખુશી પરમાર દ્વારા લખવામાં આવેલ નિબંધ પસંદ કરવામાં આવ્યો હતો અને આ નિબંધ જિલ્લા કક્ષાની સ્પર્ધા માટે મોકલવામાં આવેલ હતો. એમાંથી વિદ્યાગુરૂ ફાઉન્ડેશનની ચયન સમિતિ દ્વારા કુ. ખુશી પરમાર દ્વારા લખવામાં આવેલ નિબંધને દ્વિતીય ક્રમ આપવામાં આવ્યો હતો. તા. ૧૬/૦૧/૨૦૨૫ના રોજ આયોજીત ઇનામ વિતરણ સમારંભમાં કુ. ખુશી પરમારને પૂજ્ય મોરારીબાપુ તથા શ્રી ગોવિંદભાઈ ધોળકિયાના હસ્તે રૂ. ૧૧,૦૦૦નો રોકડ પુરસ્કાર તથા સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું. કોલેજ કક્ષાએ આ સમગ્ર સ્પર્ધાનું કોઓર્ડીનેશન કોલેજના એન. એસ. એસ. પ્રોગ્રામ ઓફિસર પ્રા. ડો. એ. બી. ગોરવાડીયા દ્વારા કરવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લા વિધાસભાના મંત્રીશ્રી મનસુખભાઈ ધાનાણી, મંત્રીશ્રી ચતુરભાઈ ખુંટ અને કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો. એમ. એમ. પટેલ દ્વારા વિદ્યાર્થીનીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી તેમ આઈ.કયુ.એ.સી. કોઓર્ડીનેટર પ્રા. ભારતીબેન ફીણવીયાએ જણાવ્યું હતું.
Recent Comments