ગુજરાત

‘મારું ગામ – મારું અભિમાન’ સૂત્ર સાથે હણોલમાં આત્મનિર્ભર હણોલ મહોત્સવ–૨૦૨૬ યોજાશે

પાલિતાણા તાલુકાના હણોલ ગામે ‘મારું ગામ – મારું અભિમાન’ ના સૂત્ર સાથે ‘આત્મનિર્ભર હણોલ મહોત્સવ–૨૦૨૬’ નું તા. ૧૩મી જાન્યુઆરીથી ૧૫મી જાન્યુઆરી દરમ્યાન ભવ્ય અને બહુવિધ કાર્યક્રમો સાથે આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ દરમિયાન ગામના સર્વાંગી વિકાસ, સંસ્કૃતિ, પરંપરા અને આત્મનિર્ભરતાને ઉજાગર કરતા અનેક લોકાર્પણો અને કાર્યક્રમો યોજાશે.

મહોત્સવ અંતર્ગત અદ્યતન ગામ ઓલમ્પિકનું ઉદ્દઘાટન, પરંપરાગત જુવારા યાત્રા, અમૃત સરોવર ખાતે મહાઆરતી, તેમજ નવા માર્ગોના લોકાર્પણ જેવા વિકાસલક્ષી કાર્યક્રમો યોજાશે. સાથે ગ્રામ્ય સંસ્કૃતિ પૂનઃજાગરણ માટે ટ્રેડિશનલ ફેશન શો, સાંસ્કૃતિક કાર્યક્રમો, અને પતંગોત્સવનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

ખેતી અને ગ્રામિણ અર્થતંત્રને મજબૂત બનાવવા માટે પ્રાકૃતિક ખેતી પરિસંવાદ, ગ્રામિણ બજારનું લોકાર્પણ, તેમજ આત્મનિર્ભરતા દર્શાવતો પેવેલિયનનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાશે. આરોગ્ય અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ માટે સાયકલ રેલી અને પ્રભાતફેરીનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

પશુસેવા અને કરુણાની ભાવનાને પ્રોત્સાહન આપવા માટે એનિમલ હોસ્ટેલ ખાતે ગૌમાતા પોષણ સેવાનો આરંભ પણ આ મહોત્સવ દરમિયાન કરવામાં આવશે.

ગામમાં સ્વાવલંબન, સ્વચ્છતા, સર્વાંગી વિકાસ અને સહકારના આધાર પર વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. આ વિકાસાત્મક પ્રયત્નોના પરિણામે હણોલને ‘મોદીજીના સ્વપ્નનું ગામ’ તરીકે વિશેષ ઓળખ મળી રહી છે. આ વિકાસયાત્રા અન્ય ગ્રામ પંચાયતો માટે પણ પ્રેરણારૂપ સાબિત થશે.

સમગ્ર કાર્યક્રમો દ્વારા હણોલ ગામના વિકાસ, સંસ્કૃતિ, પરંપરા અને સમૂહ એકતાનો સંદેશ પ્રસરી રહયો છે.

આ ત્રણ દિવસીય મહોત્સવમાં આસપાસના વિસ્તારોના નાગરિકો, યુવાનો, ખેડૂતો, વેપારીઓ, વિવિધ સંસ્થાઓ, મંડળો અને માનવંતા મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સહભાગી બનશે.

Related Posts