સુરત સંસ્થાન વરાછા શાખા બ્રહ્માકુમારી દ્વારા – “ડિઝાઇન યોર ડેસ્ટિની” વિષયે સેમિનાર યોજાયો બ્રહ્માકુમારી સંસ્થાની વરાછા રોડ સ્થિત શાખા દ્વારા “ડિઝાઇન યોર ડેસ્ટિની” વિષય પર સેમિનારનું આયોજન ઉગમનગર ખાતે કરવામાં આવ્યું.મુખ્ય વક્તા તરીકે પધારેલા ડૉ. મોહિત ગુપ્તાજી, જે દિલ્હી સ્થિત શ્રીપંત મેડિકલ હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટ તેમજ આંતરરાષ્ટ્રીય TEDx સ્પીકર છે, તેમણે પોતાના પ્રેરણાદાયી વિચારો રજૂ કર્યા. તેઓએ સમગ્ર વિશ્વમાંથી 18 જેટલા ગોલ્ડ મેડલ તથા 5 સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યા છે. પોતાના પ્રવચનમાં તેમણે જણાવ્યું કે જીવનમાં સર્વ પ્રકારની પ્રાપ્તિઓનો આધાર સંકલ્પ શક્તિ છે. મેડિટેશન દ્વારા સંકલ્પોની ગુણવત્તા વધુ સારી બનાવી શકાય છે. પોતાના જીવનના અનુભવો સાથે તેમણે જણાવ્યું કે જીવનના દરેક સંઘર્ષનું સમાધાન દ્રઢ મનોબળ અને પ્રબળ ઈચ્છાશક્તિ દ્વારા શક્ય બને છે.
કાર્યક્રમની શરૂઆત ત્રણ મિનિટની પ્રભુસ્તુતિથી કરવામાં આવી. ઓમ ધ્વનિના પવિત્ર નાદથી સમગ્ર વાતાવરણમાં શાંતિ અને પવિત્રતાના પ્રકંપો ફેલાયા હતા. સર્વ મહેમાનોનું સ્મૃતિભેટ, પવિત્ર પુસ્તકો અને ખેસ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું.
શબ્દોથી સ્વાગત કરતા વરાછા સેવા કેન્દ્રની મુખ્ય સંચાલિકા બ્રહ્માકુમારી તૃપ્તિબેને જણાવ્યું કે સાત્વિક અને સાદગીપૂર્ણ જીવનશૈલી જ સાચી આધ્યાત્મિકતા છે. તેમણે વિશાળ સભાને આવકારતા સર્વને આધ્યાત્મિક જીવનશૈલી અપનાવી માનવ જીવનને સાર્થક બનાવવા અનુરોધ કર્યો હતો.
ત્યારબાદ કાર્યક્રમનું વિધિવત ઉદ્ઘાટન સમાજના વિશિષ્ટ મહાનુભાવો ડૉ. મોહિત ગુપ્તાજી, બ્ર. કુ. તૃપ્તિબેન, ડિસ્ટ્રિક્ટ જજ મિખીયા સાહેબ, પ્રસિદ્ધ એડવોકેટ કિશોરભાઈ તથા જી.વી. એક્સપોર્ટના માલિક વિઠ્ઠલભાઈ, પુર્વ મહાપોર અસ્મીતાબેન શિરોયા વગેરેના હસ્તે કરવામાં આવ્યું. સ્ટેજ પર ઉપસ્થિત મહાનુભાવોએ શુભ પ્રેરણાદાયી વિચારો વ્યક્ત કર્યા.અંતમાં વિશાળ સભાએ ઈશ્વરીય સોગાદ સાથે પવિત્ર બ્રહ્માભોજન સ્વીકાર્યું. કાર્યક્રમના અંતે આભારવિધિ બી.કે. કૃપાલીબેને વ્યક્ત કરી તથા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન બ્રહ્માકુમારી સોનલબેને કર્યું હતું


















Recent Comments