સાવરકુંડલાના વિજપડીથી ડેડાણ તરફના માર્ગ પર એક યુવકને લિફ્ટના બહાને રોકી, છ જેટલા અજાણ્યા શખ્સોએ લૂંટ ચલાવ્યાની સનસનાટીભરી ઘટના સામે આવી હતી. લૂંટારુઓ ફરિયાદી પાસેથી રોકડ રકમ અને મોબાઈલ ફોન
આભાર – નિહારીકા રવિયા મળી કુલ રૂ. ૧૫,૫૦૦ની મત્તા લૂંટી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે મીતીયાળા ગામે રહેતા અને સેન્ટિંગ કામ કરતા સિકંદરભાઈ રહીમભાઈ સૈયદ (ઉ.વ.૩૫)એ અજાણ્યા છ ઈસમો સામે ફરિયાદ નોંધાવી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, તેઓ વિજપડીથી ડેડાણ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન, સાંજના આશરે સાડા છ વાગ્યાના અરસામાં હિંડોરણા ગામે ધાતરવડી નદીના પુલ પર પહોંચતા એક અજાણ્યા શખ્સે હાથ ઊંચો કરી તેમને રોક્યા હતા. આ શખ્સે જૂની બારપટોળી સુધી જવાનું કહી લિફ્ટ માંગી હતી, જેના પગલે ફરિયાદીએ તેને પોતાની મોટરસાયકલમાં બેસાડ્યો હતો. હિંડોરણાથી ડેડાણ તરફ જતા, સાંજના પોણા સાત વાગ્યાના અરસામાં જૂની બારપટોળીના પાટિયા પાસે પહોંચતા ફરિયાદીની પાછળ બેઠેલા શખ્સે મોટરસાયકલ ઊભું રાખવાનું કહ્યું હતું. તે સમયે પાટિયા પાસે અન્ય બે અજાણ્યા માણસો એક ટુવ્હીલ પાસે ઊભા હતા. મોટરસાયકલ ઊભું રહેતા જ લિફ્ટ લેનાર શખ્સે તુરંત મોટરસાયકલની ચાવી કાઢી લીધી હતી. એટલામાં જ રાજુલા તરફથી અન્ય એક મોટરસાયકલ પર ત્રણ સવારીમાં ત્રણ અજાણ્યા ઈસમો આવી પહોંચ્યા અને ફરિયાદી પાસે ઊભા રહ્યા હતા. આ રીતે કુલ છ અજાણ્યા લૂંટારુઓએ મળી ફરિયાદીને ઘેરી લીધો હતો. ત્યારબાદ છ પૈકીના એક ઈસમે ફરિયાદીને ધમકાવી તેની પાસે રહેલી રોકડ રકમ આપી દેવા જણાવ્યું હતું. આ છમાંથી ચાર શખ્સોએ ફરિયાદીને પકડી રાખ્યો હતો, અને અન્ય એક ઈસમે ફરિયાદીના શર્ટના ડાબા ખિસ્સામાંથી રૂ. ૫૦૦/- રોકડા કાઢી લીધા હતા. આ ઉપરાંત, બીજા એક શખ્સે જમણા ખિસ્સામાંથી રૂ. ૧૫,૦૦૦ ની કિંમતનો મોબાઈલ ફોન પણ લૂંટી લીધો હતો. લૂંટારુઓએ ફરિયાદીને ધક્કો મારી નીચે પછાડી દઈ મૂંઢ ઈજાઓ પણ પહોંચાડી હતી અને ત્યારબાદ તમામ લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના એક પૂર્વ નિયોજિત કાવતરા હેઠળ કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. ફરિયાદીની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા લૂંટારુઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. રોડ પર જાહેરમાં બનેલી આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો.
વિજપડી-ડેડાણ રોડ પર લૂંટની સનસનાટીભરી ઘટના, ૬ લૂંટારુઓએ યુવકને નિશાન બનાવ્યો

Recent Comments