સાવરકુંડલા તાલુકામાં વિકાસ કાર્યોને વધુ ગતિ આપવા અને રાજ્ય સરકારના
જનકલ્યાણકારી અભિયાનને ગામડાં સુધી પહોંચાડવાના હેતુસર સાવરકુંડલા
તાલુકાના આદસંગ ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ સાવરકુંડલા
વિસ્તારના ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાની વિશેષ ઉપસ્થિતિમાં ખુલ્લો મુકવામાં
આવ્યો હતો.
આ કાર્યક્રમ દરમિયાન ગામજનોને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ
અને સેવાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ લોકોની અરજીઓ
સ્થળ પર જ સ્વીકારી તેનો તાત્કાલિક નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં
આવી હતી.
આ સેવા સેતુ કાર્યક્રમમાં આદસંગ, ઘનશ્યામનગર, થોરડી, કૃષ્ણગઢ, સાકરપરા,
મિતિયાળા, આંબરડી, દેતડ, ગીણીયા, બગોયા અને ખોડીયાળા ગામોના ગ્રામજનોએ
ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કુલ ૧૮૮૮ અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં
આવ્યો હતો, જેના કારણે ગામજનોને તાત્કાલિક રાહત મળી હતી.
સેવા સેતુ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગામડાંના લોકોને સરકારની વિવિધ સેવાઓ તેમના
ગામે જ ઉપલબ્ધ કરાવવાનો છે, જેથી લોકોને તાલુકા અથવા જિલ્લા કચેરી સુધી
જવું ન પડે. આ કાર્યક્રમ હેઠળ આવક દાખલો, જાતિ દાખલો, રેશનકાર્ડ સંબંધિત
કામગીરી, આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ તેમજ વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે
માર્ગદર્શન અને સેવા આપવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન અધિકારીઓ દ્વારા ગામજનોની સમસ્યાઓ ધ્યાનપૂર્વક સાંભળી
યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ જરૂરી દસ્તાવેજોની કામગીરી સ્થળ
પર જ પૂર્ણ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી સરકારની
વિવિધ યોજનાઓનો લાભ લીધો હતો
આ પ્રસંગે તાલુકા તથા જિલ્લા સ્તરના અધિકારીઓ, ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ,
ગામના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


















Recent Comments