રાજુલાના હિંડોરણા ગામે પારિવારિક વિવાદમાં ભાઈએ કરેલા ગંભીર આક્ષેપથી દુઃખી અને આઘાત પામેલા એક યુવકે ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. સગા ભાઈઓ વચ્ચે ચાલી રહેલા પોક્સો કેસ બાબતે સમાજના આગેવાનોની હાજરીમાં સમાધાનની બેઠક ચાલી રહી હતી, ત્યારે આ દુઃખદ ઘટના બની હતી. પ્રાપ્ત માહિતી મુજબ, ભોગ બનનાર યુવક પર તેમના જ ભાઈએ પોક્સો એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો હતો, જે હાલમાં કોર્ટમાં ચાલી રહ્યો છે. આ કેસમાં સમાધાન કરવા માટે સમાજના આગેવાનો દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.સમાધાનની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે, ફરિયાદી ભાઈએ ભોગ બનનાર યુવકને ઉદ્દેશીને ગંભીર આક્ષેપ કરતા કહ્યું હતું કે, “તેં મારી દીકરીને વેચી નાખેલ છે.” ભોગ બનનાર યુવકને સગા ભાઈ દ્વારા કરવામાં આવેલા આ અસહ્ય આક્ષેપ અને અપમાનથી ઊંડો આઘાત લાગ્યો હતો. આ આઘાતના કારણે ભોગ બનનારે તુરંત જ જાતે ઝેરી દવા પી લીધી હતી. ઘટનાની જાણ થતાં જ હાજર રહેલા લોકોમાં દોડધામ મચી ગઈ હતી અને ભોગ બનનારને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પારિવારિક વિવાદ અને કોર્ટ કેસને કારણે બનેલી આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર જગાવી હતી. રાજુલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પી.એસ. બાબરીયા વધુ તપાસ કરી રહ્યા છે.
ભાઈએ ‘દીકરીને વેચી નાખી’ હોવાનો આક્ષેપ કરતા આઘાતમાં યુવકે ઝેરી દવા પીધી

Recent Comments