નગરના માર્ગ પર શ્રદ્ધા તણો દરિયો પણ ઊમટશે,
સૌના કંઠમાં ‘શ્રી રામ’નો જયઘોષ પણ ગાજશે.
દીવડા પ્રેમનાં પ્રગટાવી,
સ્વાગત જે કરે જેમનું ,
અયોધ્યા છોડી પ્રભુ શ્રી રામજી સાવરકુંડલામાં પણ પધારશે.
–“પાંધી સર”
અયોધ્યાધામમાં પ્રભુ શ્રી રામલલ્લાના નૂતન મંદિરના નિર્માણ બાદ સમગ્ર દેશમાં રામમય વાતાવરણ છે, ત્યારે સાવરકુંડલાની ધર્મપ્રેમી જનતા દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ‘શ્રી રામ જન્મોત્સવ’ની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવના મંગળ પ્રારંભ રૂપે ગત રાત્રિએ શહેરના હાર્દ સમાન પોસ્ટ ઓફિસ રોડ પર ‘શ્રી રામ જન્મોત્સવ કાર્યાલય’નું શાસ્ત્રોક્ત વિધિ સાથે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે શ્રી સત્યનારાયણ ભગવાનની પવિત્ર કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. મંત્રોચ્ચાર અને ભક્તિસભર માહોલમાં જ્યારે કાર્યાલય કાર્યરત થયું, ત્યારે ઉપસ્થિત અસંખ્ય રામભક્તોના ‘જય શ્રી રામ’ના ગગનભેદી નાદથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું. આ ધાર્મિક પ્રસંગે મોટી સંખ્યામાં નગરજનોએ ઉપસ્થિત રહી પ્રભુનો પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.
શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા આગામી મુખ્ય કાર્યક્રમની વિગતો આપતા જણાવાયું છે કે, તારીખ ૨૬/૦૩/૨૦૨૬ ના રોજ સનાતન આશ્રમથી મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની વિશાળ શોભાયાત્રા પ્રસ્થાન કરશે. આ યાત્રામાં શણગારેલા રથો, ધર્મધજાઓ અને ભજન મંડળીઓ આકર્ષણનું કેન્દ્ર બનશે, જે નગરના મુખ્ય રાજમાર્ગો પર ભ્રમણ કરશે. સમિતિ દ્વારા સમસ્ત સનાતની ધર્મપ્રેમી જનતાને સપરિવાર આ શોભાયાત્રામાં જોડાઈ ભક્તિના મહાકુંભમાં સહભાગી થવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.













Recent Comments