ઇસોરા ગામના અને ધોરણ 9 ના સૃષ્ટિબેને રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું
વિકાસ વર્તુળ ટ્રસ્ટ દ્વારા રાજ્યસ્તરે આયોજિત કરવામાં આવેલી GKIQ (General Knowledge Intelligence Quiz) પરીક્ષામાં શ્રી જ્ઞાનમંજરી સ્કૂલ-રાળગોનના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ અને ગૌરવસભર પ્રદર્શન કરી શાળાનું નામ સમગ્ર ગુજરાત રાજ્યમાં ઉજાગર કર્યું છે. આ સ્પર્ધાત્મક પરીક્ષામાં શાળાના કુલ 45 વિદ્યાર્થીઓ શિષ્યવૃતિ માટે પસંદ થયા છે, જે શાળાની ગુણવત્તાયુક્ત શિક્ષણપ્રણાલી અને સતત શૈક્ષણિક પ્રયત્નોનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
આ સિદ્ધિને વધુ વિશેષ બનાવતી બાબત એ છે કે રાજ્ય સ્તરે પ્રથમ સ્થાન શ્રી જ્ઞાનમંજરી સ્કૂલ-રાળગોનની વિદ્યાર્થિની ધાંધલ્યા સૃષ્ટિબેન જીતેન્દ્રભાઈ – ઈસોરાએ પ્રાપ્ત કર્યું છે. આ ઉપરાંત રાજ્ય સ્તરે પાંચમું સ્થાન કામળિયા અજુબેન આપાભાઈ – દુદાણાએ અને સાતમું સ્થાન ગોહિલ હેત્વીબેન વનરાજસિંહ – માતલપરએ પ્રાપ્ત કરી શાળાની શૈક્ષણિક પ્રતિભાનો પરિચય આપ્યો છે.
GKIQ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ દ્વારા વિદ્યાર્થીઓમાં સામાન્ય જ્ઞાન, તર્કશક્તિ, વિચારશક્તિ તથા બુદ્ધિપ્રતિભાનો સર્વાંગી વિકાસ થાય છે. શિષ્યવૃતિ પ્રાપ્ત થવાથી વિદ્યાર્થીઓને આગળના અભ્યાસ માટે વધુ પ્રોત્સાહન મળશે તેમજ તેમનો આત્મવિશ્વાસ પણ વધશે. શાળા દ્વારા ધોરણ 10 તથા ધોરણ 12 સાયન્સ, કોમર્સ, આર્ટ્સમાં બોર્ડમાં પણ આવુ જ જ્વલંત પરિણામ દર વર્ષે મેળવે છે. આ સફળતા પાછળ વિદ્યાર્થીઓની અવિરત મહેનત, શિક્ષકોનું સતત માર્ગદર્શન અને વાલીઓનો સહયોગ મુખ્ય કારક રહ્યા છે.
આ પ્રસંગે શાળા પરિવાર તરફથી તમામ સફળ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે તથા ભવિષ્યમાં પણ વિદ્યાર્થીઓને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયાર કરી રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ પરિણામો લાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે.


















Recent Comments