અમરેલીના આંગણે ફોરવર્ડ સ્કૂલ ગ્રાઉન્ડ ખાતે ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લી. (ગ્રામ વિકાસ વિભાગ) દ્વારા પ્રાદેશિક કક્ષાના ભવ્ય સરસ મેળાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ સરસ મેળામાં સ્વ-સહાય જૂથની બહેનોને સ્ટોલ સહિત રહેવા જમવાની સગવડતા પણ પુરી પાડવામાં આવી છે.
અમરેલી ચિતલના વતની શ્રી રંજનબેન બાબરીયાના નેતૃત્વમાં કુલ ૫૦ બહેનો આર્થિક રીતે પગભર બની છે. મહાદેવ સખી મંડળ સહિતના સખી મંડળની સ્થાપના થકી બહેનો આજે આર્થિક રીતે પગભર બનીને પરિવારમાં પોતાનું આર્થિક યોગદાન આપી રહી છે.
શ્રી રંજનબેને જણાવ્યું કે, સરસ મેળામાં અમને સ્ટોલ સહિતની સગવડતા આપવામાં આવી છે. અમે ગાયના ગોબરમાંથી બનેલ અગરબત્તી, કપૂરદાની, સાબુ સહિતની ચીજવસ્તુઓનું વેચાણ કરીએ છીએ. મેળાના શરૂઆતથી આજદિન સુધી (૪ દિવસમાં) અમે રૂ. ૯૦ હજારથી વધુની વિવિધ ચીજવસ્તુઓનું વેચાણ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, શ્રી રંજનબેન અને તેમના સ્વસહાય જૂથને મિશન એન.આર.એલ.એમ યોજનાનો લાભ મળ્યો છે. રીવોલ્વીંગ ફંડ અન્વયે મળેલી સહાયતા થકી મહિલાઓ પગભર બનીને સશક્ત બની છે. સ્વ-સહાય જૂથની બહેનોએ ‘આત્મનિર્ભરતા’ નો માર્ગ અપનાવી આર્થિક ઉન્નતી તરફ પ્રયાણ કર્યું છે.
મિશન એન.આર.એલ.એમ યોજના અંતર્ગત મહિલા સ્વ સહાય જૂથોને જ રીવોલ્વીંગ ફંડ, કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ, વ્યાજ સહાય સહિતના લાભ આપવામાં આવે છે.
‘સ્વદેશી અપનાવો’ અભિયાનને વેગ આપીને ‘આત્મનિર્ભરતા’નો માર્ગ અપનાવી વિકસિત ભારતના નિર્માણમાં મહિલા શક્તિ પણ પોતાનું યોગદાન આપી રહી છે. ગુજરાતમાં સખી મંડળોની સ્થાપના થકી મહિલાઓ માટે સ્વ વિકાસના અનેક દ્વાર ખુલ્યા છે.


















Recent Comments