SMC મેયરે કરેલી રજુઆતને ધ્યાને નહી લેતા કતારગામમાં બે માળનું એમ્બ્રોડરીનું કારખાનુ ધરાશાયી
સુરત મેયરે કરેલી રજુઆતને ધ્યાને નહી લેતા કતારગામમાં બે માળનું એમ્બ્રોડરીનું કારખાનુ ધરાશાયી
કતારગામ જીઆઇડીસીમાં બે માળની બિલ્ડિંગ તૂટી પડતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.કતારગામ જીઆઇડીસીમાં ખાતા નંબર ૭૩૨ માં મોટું મકાન આવેલું છે. જેમાં ગ્રાઉન્ડ અને બે માળ છે. આ મકાનમાં એમ્બ્રોડરીના ખાતા ચાલે છે.બિલ્ડિંગમાં ચાલતા એમ્બ્રોડરી ખાતામાંથી કારીગરો નીકળી જતા બચી ગયા હતા.ઘટનાની જાણ થતાં ફાયર અને પાલિકાનો કાફલો દોડી આવ્યો હતો.આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી. હાલ કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે.
આ ઘટનાને નજરે જોનારાના પુરી શાકની લારી ચલાવતા વ્યક્તિએ કહ્યું કે આ બિલ્ડિંગમાં એમ્બ્રોડરીનું કારખાનું હતું. સવારે હું આવ્યો તો બિલ્ડિંગમાંથી ધીમે ધીમે કાટમાળ પડી રહ્યો હતો.પણ સવારના 7 વાગ્યા તો વધારે કાટમાળ પડવા લાગ્યો હતો. ત્યારબાદ બધા કારીગરો બિલ્ડિંગમાંથી નીકળી ગયા હતા.બેથી ત્રણ સેકન્ડમાં આખું બિલ્ડિંગ ધરાશાયી થઈ ગયું. અંદર 6 લોકો હતા તે તમામ બહાર નીકળી ગયા હતા.હું બિલ્ડિંગની નીચે લારીમાં પૂરી-શાક બનાવી રહ્યો હતો.હું પણ બચવા માટે દોડીને બીજી તરફ જતો રહ્યો.મારી લારી, સામાન અને મોબાઈલ બધુ જ કાટમાળ હેઠળ દટાઇ ગયું છે.
કતારગામ GIDC એસોસીએશનના મેમ્બર્સ ઉમેશભાઈએ જણાવ્યું હતું કે, આ બિલ્ડિંગ ૪૦ વર્ષ જૂનું હતું. કેટલાંક સમયથી જર્જરીત હાલતમાં જ હતું. એક વર્ષ પહેલા જ જીઆઈડીસી દ્વારા આવા મકાનોને જાણ કરવામાં આવી હતી કે, રિપેરિંગ કરો અથવા આ પ્રશ્નોને હલ કરો. તેમ છતા આ મકાન માલીકે કોઈ કાર્યવાહી ન કરતા આ દુર્ઘટના ઘટી છે. એમ્બ્રોડરીના 9 મશીન દબાતા તૂટી ગયાં છે. એક કરોડનું નુકસાન થવા પામ્યું છે.ઉલ્લેખનીય છે કે, ખાતાના સંચાલકો દ્વારા 2 મહિના પહેલા પણ માલિકને જાણ કરવામાં આવી હતી. ખાતાના સંચાલકો દિવાળી પછી મકાન ખાલી કરી મશીન અન્ય જગ્યાએ લઈ જવાના હતા.
ફાયર વિભાગને જાણ થતાં કતારગામ અને કોસાડ ફાયર સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.કતારગામ ફાયરસ્ટેશનના ઓફિસર હિતેશ ઠાકોરે જણાવ્યું હતું કે, આજે અમને ફાયર કંટ્રોલમાંથી જાણ થઈ હતી કે કતારગામ નવી જીઆઈડીસી ગજેરા સર્કલ પાસે બિલ્ડિંગ ધરાશાયી થઈ છે.આથી કતારગામ અને કોસાડ ફાયર સ્ટેશનની ટીમ ઈમરજન્સી રેસ્ક્યૂ વ્હિકલ અને સાધનો સાથે પહોંચ્યા હતા. ઘટનાસ્થળે પહોંચતા પ્રાથમિક તપાસમાં અંદર કોઈ માણસ ફસાયો ન હોવાનું જાણવા મળ્યું છે. હાલ કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે.
મેયર દક્ષેશભાઈ માવાણીએ જર્જરીત મકાન અંગે જાન્યુઆરીમાં લેખિતમાં રજુઆત કરી હતી
કતારગામ જીઆઈડીસીમાં અનેક જર્જરીત ઈમારતો આવેલી છે અને ગમે ત્યારે અકસ્માત થવાનો ભય રહેલો છે. આ અંગે ગત તારીખ ૩૦ જાન્યુઆરી-૨૦૨૩ ના રોજ વોર્ડ નંબર ૬ ના કોર્પોરેટર અને વર્તમાન સુરતના મેયર દક્ષેશભાઈ માવાણીએ GIDCઅને SMCને લેખિતમાં રજુઆત કરી હતી.આમ છતા પણ કેમ કોઈ કાર્યવાહી ન કરવામાં આવી? આ એક મોટો સવાલ છે.
સુરતમાં તક્ષીશીલાકાંડ પછી પણ જવાબદાર ઓથોરીટી કે જાડી ચામડીના અધિકારીઓ સુધરવાના બદલે ફરજમાં બેદરકારી દાખવી રહ્યાં છે અને કતારગામની આ ઘટના તેનો પુરાવો છે.જો મેયર દક્ષેશભાઈ માવાણીની રજુઆતને ધ્યાને રાખી તાત્કાલિક યોગ્ય પગલાઓ ભરવામાં આવ્યા હોત તો આ ઘટના ચોક્ક્સથી નિવારી શકાઈ હોત,જો કે સદ્દનશીબે આ ઘટનામાં લોકોનો આબાદ બચાવ થયો છે, નહીત્તર અધિકારીઓની બેદરકારીને કારણે સામી દીવાળીએ મોટી હોનારત અને કરૂણાંતિકા સર્જાણી હોત !!
Recent Comments